અખાત્રીજના આથમણા પવનને લીધે વનરાજી ખીલવાનો વર્તારો

Tuesday 10th May 2022 15:18 EDT
 
 

બગસરાઃ અખાત્રીજના દિવસે વહેલી સવારે પવન કઇ બાજુથી વાય છે? તે જાણવા અભ્યાસુઓ તથા ધરતીપુત્રો સૌ કોઈમાં ઈંતેજારી હતી જે વહેલી સવારના ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી આથમણી તેમજ વાયવ્ય દિશામાંથી પવન વાતા સારા વરસાદનો વરતારો આપ્યો હતો.
ધરતીપુત્રો માટે વર્ષોથી અખાત્રીજના પવનનું ખૂબ જ મહત્વ રહ્યું છે આ વર્ષે અખાત્રીજની વહેલી સવારે 3 વાગ્યાથી સૌપ્રથમ પવન પશ્ચિમ તરફથી વાય ને પૂર્વ તરફ ગયો હતો. તેમજ સાથે સાથે વાયવ્ય દિશામાંથી પણ ફણગીઓ જોડાતા ચોમાસાની શરૂઆત વહેલી અને સાર્વત્રિક રીતે થાય તેવી શકયતા વર્તાઇ હતી. આથમણો પવન વાતા 'વનરાજી ખીલી ઉઠે' અને વાયવ્ય ના પવનથી 'સારો વરસાદ' તેવો વરતારો થાય. ગત વર્ષની જેમ આખાત્રીજના દિવસે વાયવ્ય દિશામાંથી પણ પવનની ફણગી શરૂ રહેતા આવતા ચોમાસા ની શરૂઆત થી અંત ભાગ સુધી ખૂબ જ સારા વરસાદની શકયતા જાણકારો માની રહ્યાં છે. સાથે-સાથે કયારેક વાયવ્ય દિશામાંથી પણ પવનની ફણગીઓ આવતા સામાન્ય ખંડવૃષ્ટિની શકયતા ચોમાસાનાં મધ્યભાગમાં અભ્યાસુઓ દ્વારા માનવામાં આવી રહી છે.


comments powered by Disqus