દાહોદઃ જેમ જેમ ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં ચૂંટણીલક્ષી ગતિવીધીઓ તેજ બની રહી છે. કેન્દ્રના મોટા નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. ત્યારે કોંગ્રસના નેતા રાહુલ ગાંધી દાહોદ આવ્યા હતા.
આદિવાસી સત્યાગ્રહ રેલીનું દાહોદ ખાતે નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાન પર આયોજન કરવામાં આવ્યુ હતું.જ્યાં તેમનું ચાંદીનો કંદોરો, કડું તેમજ તીર-કામઠું આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં આદિવાસી વોટ બેંક વિધાનસભાની ચૂંટણી માટે મહત્વની માનવામાં આવે છે. ત્યારે કોંગ્રેસ આદિવાસીઓના પ્રશ્નોને લઇને આગળ વધી રહી છે. પહેલાં વડાપ્રધાન મોદીએ 3 લાખ આદિવાસી ભાઈ-બહેનોની હાજરીમાં મહાસભા ગજવી હતી અને હવે રાહુલ ગાંધી
દાહોદમાં છે.
રાહુલ ગાંધીએ આદિવાસી રેલીને સંબોધન કરતા જણાવ્યુ કે, આ કોઇ પબ્લિક મિટિંગ નથી, પરંતુ આંદોલન સત્યાગ્રહની શરૂઆત છે. 2014માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા. જે કામ એમણે ગુજરાતમાં શરૂ કર્યુ તે આજે દેશમાં કરી રહ્યા છે. જેને ગુજરાત મોડલ કહેવામાં આવે છે. આજે બે ભારત બની રહ્યાં છે, એક અમીરોનું જેમાં અમુક મોટા અમીર લોકો છે, જેમની પાસે સત્તા, ધન અને અહંકાર છે. બીજું ભારતની આમ જનતાનું હિંદુસ્તાન છે. પહેલા આ મોડલ ગુજરાતમાં ટેસ્ટ કરવામાં આવ્યું અને પછી તેને ભારતમાં લાગુ કરાયું. કોંગ્રેસ પાર્ટીને બે હિંદુસ્તાન નથી જોઇતા. જેમાં દરેક વ્યક્તિને સન્માન મળવુ જોઇએ.
'ગુજરાતમાં કોરોનાથી 3 લાખ લોકોના મોત'
રાહુલ ગાંધીએ કહ્યું, ગુજરાતમાં કોરોનાથી 3 લાખ લોકોના મોત થયા, ગંગા મા મૃતદેહોથી ભરાઈ ગઈ. ભારતમાં કોરોનાને કારણે 50-60 લાખ લોકોના મોત થયા છે. પરંતુ આ લોકો તેના વિશે વાત કરતા નથી. આ લોકો કહે છે.
ધારાસભ્યો સાથે બેઠક કરી
દાહોદમાં યોજાનારું આદિવાસી સંમેલન કરી રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના તમામ ધારાસભ્યો સાથે બપોરે 2 વાગ્યે બેઠક કરી હતી.
કોંગ્રેસ પાર્ટી રે ગીત પર રાહુલ ગાંધી ઝૂમી ઉઠ્યા
કાર્યક્રમના અંતે આદિવાસી ધૂનવાળું "કોંગ્રેસ પાર્ટી રે કોંગ્રેસ પાર્ટી..." ગીત વગાડવામાં આવ્યું હતું, જ્યાં ગીતના તાલે સ્ટેજ પર હાજર લોકો ઝૂમી ઊઠ્યા હતા. એમાં ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીઆએ સ્ટેજ પર આવીને રાહુલ ગાંધી સાથે ડાન્સ કર્યો હતો. રાહુલ ગાંધી પણ તેમની સાથે હાથ ઊંચા કરી ગીતના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા.

