અમદાવાદઃ ગોધરાકાંડ બાદ રાજ્યમાં 2002માં ફાટી નીકળેલા કોમી તોફાનો સમયે આણંદ જિલ્લાના ઓડ ગામમાં થયેલા હત્યાકાંડ કેસમાં એક આરોપીની ભાળ અમેરિકામાં મળી આવી છે. આ આરોપીઓને ભારત પરત લાવવા માટેની કામગીરી ભારતીય વિદેશ મંત્રાલયે શરૂ કરી છે. આ અંગેની માહિતી વિદેશ મંત્રાલયે એસઆઈટીને આપેલી છે. આ ઉપરાંત એક અન્ય આરોપીના ઠેકાણા સંદર્ભે પણ હાઈકોર્ટે એસઆઈટીને પૂછ્યું હતું. હાઈકોર્ટે એસઆઈટીને નિર્દેશ આપ્યો છે કે, આ બંને આરોપીઓને ભાગેડું જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરો. જેથી, આગળની કાર્યવાહી કરી શકાય. હાઈકોર્ટે એ પણ ટકોર કરેલી છે કે, જો કાયદા મુજબ પહેલાથી જ વોરંટ જારી કરવામાં આવેલું હોય અને આરોપી હાજર થતો ના હોય તો, તેને ભાગેડું જાહેર કરીને તેની મિલકત જપ્ત કરવાની કામગીરી હાથ ધરો. ગોધરાકાંડ પછીના રમખાણો દરમિયા ઓડ ગામમાં હિંસાની બે ઘટનાઓ બની હતી. એક ઘટનામાં 23ના મોત થયા હતા. જ્યારે બીજી ઘટનામાં 3 લોકોના મોત થયા હતા. બંને કેસમાં ટ્રાયલ અલગ-અલગ ચાલી હતી.
