ગુણાતીત સ્વામીએ આપઘાત કર્યો નથી તેમની હત્યા કરાઈ હોવાની આશંકા

Tuesday 10th May 2022 15:33 EDT
 
 

વડોદરા: હરિધામમાં મોતને ભેંટનાર ગુણાતીત સ્વામીના કેસમાં નવો વળાંક આવ્યો છે. મૃતક સંતના પિતરાઇ ભત્રીજા હસમુખ ત્રાગડીયાએ જિલ્લા પોલીસ વડાને રજુઆતમાં જણાવ્યું હતું કે, ગુણાતીત સ્વામીએ આપઘાત કર્યો નથી તેમની હત્યા કરાયાની આશંકા છે.
મુંબઇથી આવેલા હસમુખ ત્રાગડીયાએ જણાવ્યું હતું કે, 28 એપ્રિલે મીડિયાના સમાચાર દ્વારા મુંબઇમાં ગુણાતીત સ્વામીના મૃત્યુની જાણ મને થતા ખુબ આઘાત લાગ્યો હતો. સમાચારોમાં બીજા એક કાકા સાધુ હરિપ્રકાશસ્વામીએ કુદરતી મોતની માહિતી આપી હતી. ગુણાતીત સ્વામીના નિધન બાદ પોલીસને જાણ કરાઇ ન હતી. ગુણાતીત સ્વામીએ આપઘાત કર્યો નથી કે તેમનું મોત કુદરતી નથી, મને તેમની હત્યાની આશંકા છે. ગુણાતીત સ્વામીનું મૃત્યુ પૂર્વ આયોજીત કાવતરુ છે. આ કાવતરાના ભાગ રૂપે પ્રભુપ્રિય સ્વામી, હરિપ્રકાશસ્વામી તથા તેમની સાથે ગેરકાયદે કાર્યમાં સાથે આપનાર મેનેજમેન્ટના અન્ય વ્યક્તિઓ સામેલ છે એવું હું ચોક્કસ પણે માનું છું.
હસમુખ ત્રાગડીયાએ જિલ્લા પોલીસ વડાને જણાવ્યું હતું કે, હરિધામમાં તંગ વાતાવરણના સમયમાં ગુણાતીત સ્વામી સાથે 10 એપ્રિલે બેથી ત્રણ વખત અને 19 એપ્રિલે મોબાઇલ પર મારે વાત થઇ હતી. 19મીની સાંજે 7:12 કલાકે 10:53 મિનિટ વાર્તાલાપ થયો હતો. જેમાં ગુણાતીત સ્વામીએ ઘણી બધી લાગણીઓ વ્યક્ત કરી હતી. તેમણે મને કહ્યું હતું કે, રૂમ પાર્ટનર પ્રભુપ્રિય સ્વામી મેનેજમેન્ટના વ્યક્તિઓના કહેવાથી તથા હરિધામ મંદિરના મેનેજમેન્ટના અન્ય વ્યક્તિ મને માનસિક ત્રાસ આપતા હતાં. ગુણાતીત સ્વામીએ એવી પણ લાગણી વ્યક્ત કરી હતી કે, એ લોકો તેમને હાની પહોંચાડશે. મને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે તેમની સાથે કોઇ જીવલેણ દુર્ઘટના બની શકે છે.


comments powered by Disqus