જામનગરઃ જામનગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના યજમાન પદે હાલ ભાગવત સપ્તાહ ચાલી રહી છે. જેનો આજે રવિવારે છેલ્લો દિવસ છે. ત્યારે શહેરીજનોની સાથે રાજકીય આગેવાનો પણ કથાનું રસપાન કરવા પહોંચી રહ્યા છે. આ દરમિયાન કથા સ્થળ પર શનિવારે રાત્રે માયાભાઈ આહિર અને કિર્તિદાન ગઢવીનો લોકડાયરો યોજાયો હતો. જેમાં 500 અને 2000ની ગુલાબી નોટો વરસાદ થયો હતો. તેમજ વિદેશી ચલણનો પણ વરસાદ થયો હતો. ભાજપ, કોંગ્રેસ તેમજ એનસીપીના નેતાઓ પણ હાજર રહ્યા હતા અને નેતાઓએ રૂપિયાનો વરસાદ કર્યો હતો.
લોકડાયરામાં ભાજપ, કોંગ્રેસના ધારાસભ્ય પર એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. તેમજ જામનગરના અગ્રણી બિલ્ડર મેરામણ પરમારે રૂપિયા 500ની ચલણી નોટોનો અને પોરબંદરના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ રૂપિયા 2000ની ચલણી નોટોનો વરસાદ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા ઉપર કર્યો હતો. આ લોકડાયરામાં ભાજપ, કોંગ્રેસ અને એનસીપીના નેતાઓનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
વિદેશી મહેમાનોએ ડોલરનો વરસાદ કર્યો
આ ઉપરાંત લોકડાયરામાં જ્યા જુઓ ત્યા ચલણી નોટો જ જોવા મળી હતી. કલાકારો પણ ચલણી નોટો વચ્ચે સ્પષ્ટ દેખાઈ શક્યા ન હતા. આ ડાયરામાં 10, 20, 50 અને100ના ચલણી નોટોના બંડલથી પણ વધુ 500ની ચલણી નોટોના નવા બંડલનો વરસાદ થયો હતો. તેમજ પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તથા લોકડાયરામાં હાજર રહેલા લોકોએ પણ નોટના બંડલો ઉડાડ્યા હતા. કેટલાક વિદેશી મહેમાનો પણ આવ્યા હતા અને તેઓએ ડોલરનો વરસાદ કર્યો હતો.

