દેવસ્થાન અંબાજીને શ્રેષ્ઠ યાત્રાધામ જાહેર કરાયું

Tuesday 10th May 2022 15:25 EDT
 
 

પાલનપુર: દેશ-દુનિયાના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન અંબાજી ધામને સર્વશ્રેષ્ઠ યાત્રાધામ ઘોષિત કરવામાં આવ્યું છે. અમદાવાદ ખાતે આયોજિત એશિયા બિગેસ્ટ એવોર્ડ-૨૨ના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલને અંબાજીના વિકાસ માટે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેને એવોર્ડ સ્વીકાર્યો
યાત્રાધામ અંબાજીને ટૂરિઝમ પ્લેસ તરીકે વિકસાવવા અંબાજી ગબ્બર પર્વત ખાતે શરૂ કરવામાં આવેલા શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન, કોરોનાકાળમાં આપેલી સેવાઓ અને યાત્રાધામ અંબાજીના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપવા બદલ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવની વાત
જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે યાત્રાધામ અંબાજી ગુજરાતની સૌથી મોટી શક્તિપીઠ છે. જ્યાં વર્ષે કરોડો માઇભક્તો મા અંબાનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ મળવો એ શકિતપીઠ અંબાજી અને બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવની વાત છે. ઉલ્લેખનીય છે કે દેશ વિદેશમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી ધામની મુલકાત લે છે. યાત્રાળુઓ માટે પરિસરમાં નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે.
FSSAI દ્વારા મંદિરને પ્રસાદની ગુણવત્તા માટે ‘‘BHOG’’ પ્રમાણપત્ર
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના પ્રસાદની ગુણવત્તા માટે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને અંબાજી મંદિરમાં દર્શનાર્થે આવતા માઇભક્તોને આપવામાં આવતા પ્રસાદની ગુણવત્તા બાબતે “BHOG’’ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.જેનાથી યાત્રધામ અંબાજીની યશકલગીમાં ઉમેરો થયો છે. તાજેતરમાં ગુજરાત સરકારના ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અંબાજી મંદિર ખાતે બનાવવામાં આવતા પ્રસાદ અંગે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા નિયુક્ત
થર્ડ પાર્ટી ઓડિટ એજન્સી દ્વારા તપાસણી કરી અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો હતો. જેના સંદર્ભે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હી દ્વારા “BHOG’’ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.


comments powered by Disqus