ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીનો સરકાર વિરોધ સૂર

Tuesday 10th May 2022 15:29 EDT
 
 

ખેરાલુઃ ખેરાલુના પૂર્વ ધારાસભ્ય અને પાટણ ભાજપના હાલના સાંસદ ભરતસિંહ ડાભીના ફરી સરકારવિરોધી સૂર સામે આવ્યા છે. તેમણે ખેરાલુમાં અખાત્રીજના દિવસે મ્યુનિસિપલ ગાર્ડનના લોકાર્પણ સમયે ખેરાલુ વિસ્તારની પાણીની સમસ્યાનો મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે સિંચાઇના પાણી માટે ૨૫ વર્ષથી રજૂઆતો કરતા હોવા છતાં સરકારે કોઇ નક્કર કામગીરી ન કરતાં વિસ્તારના લોકો હવે પાણી માટે ચૂંટણીબહિષ્કાર કરી રહ્યા છે.
આ સાથે તેમણે આ તેમની છેલ્લી ટર્મ હોવાનું અને ૨૦૨૪ પછી રાજકીય સંન્યાસ લેશે, એમ કહ્યું હતું. સાંસદ ભરતસિંહ ડાભીએ બગીચાને કોરાણે મૂકી પાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે રમીલાબેન દેસાઇ અને મારી સાથે મારા સાથી મિત્ર અજમલજીએ ખેરાલુ વિધાનસભામાં સિંચાઇના પાણીની સમસ્યા ઉકેલવા વારંવાર સરકારને રજૂઆત કરી છે.
તેમણે સરપંચથી સાંસદ સુધી લોકોએ જે સહયોગ આપ્યો એનો આભાર માની હવે પછી હું કોઇ જ ચૂંટણી લડવાનો નથી અને ૨૦૨૪પછી હું રાજકીય સંન્યાસ લેવાનો છું એવો મત વ્યક્ત કર્યો હતો.


comments powered by Disqus