અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપે કોંગ્રેસના નેતાઓ સાથે સંપર્ક કરવા માંડ્યો છે. બાલાસિનોરના કોંગ્રેસના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણે એવો દાવો કર્યો છે કે ભાજપના નેતાઓએ મારો સંપર્ક કર્યો છે અને જીતાડવાની ખાતરી સાથે ટિકીટ આપવાની ઓફર કરી છે જેના પગલે કોંગ્રેસની ચિંતા વધી છે.
છેલ્લા કેટલાય સમયમાંથી અનેક પ્રસંગોમાં કોંગ્રેસના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ ભાજપના નેતાઓઓ સાથે જોવા મળ્યા છે. તેઓ કોંગ્રેસમાં જાય તેવી અટકળોએ જોર પકડ્યું છે. આ તરફ રાજકીય અટકળો મુદ્દે ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણે એવી પ્રતિક્રિયા આપી છે કે ભાજપના નેતાઓએ મારો સંપર્ક કર્યો છે. તેઓએ મને ઓફર કરી છે કે જો તમે ભાજપમાં આવો તો બાલાસિનોરની બેઠક જીતાડવાની ખાતરી સાથે ટિકિટ આપવા તૈયાર છીએ. તેમણે એવો ય દાવો કર્યો છે કે રાજ્યસભાની ચૂંટણી વખતે પણ ભાજપે મને પક્ષપલ્ટો કરો તો રૂ. 15 કરોડ આપવાની તૈયારી બતાવી હતી.
ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણે એવો ખુલાસો કર્યો કે અત્યારે તો હું કોંગ્રેસમાં છું. મારા પિતા-દાદા પણ કોંગ્રેસમાં જ હતાં. હાલ મેં કોઈ નિર્ણય લીધો નથી. જો કોઈ નિર્ણય લેવાનો હશે તો હું મારા મત વિસ્તારના મતદારો અને મારા નજીકના કાર્યકરોને પૂછીને નિર્ણય લઈશ. જેમણે મને ધારાસભ્ય બનાવ્યો છે તે મતદારો સાથે ગદ્દારી કરીશ નહીં.
