મહેસાણાઃ મહેસાણા ખાતે જુલાઇ ૨૦૧૭માં પરવાનગી વગર સભા રેલી મામલે નોંધાયેલી ફરિયાદના કેસમાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, એન.સી.પી નેતા રેશ્મા પટેલ સહિત ૧૦ આરોપીને કસૂરવાર ઠેરવીને ત્રણ માસની સાદી કેદની સજા અને રૂ. એક-એક હજાર દંડ ફટકારતો મહેસાણા કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપીઓના એક મહિનાના જામીન મંજૂર કર્યા છે.
નોંધનીય છે કે ધાનેરા ખાતે દલીતોની જમીન બાબતે થયેલા બનાવ મામલે મહેસાણામાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કૌશિક પરમારે સોમનાથ ચોકમાં આઝાદી કી કૂચ સભા, રેલીનું ગત ૧૨ જુલાઇ ૨૦૧૭ના રોજ પરવાનગી વગર આયોજન કર્યું હતું. ગેરકાયદેસર મંડળી રચી રેલી - સભાનું આયોજન કરાયું હોઇ આ મામલે જિજ્ઞેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત ૧૭ સામે કલમ ૧૪૩ મુજબ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ૧૨ આરોપી પૈકી કનૈયાકુમાર કોર્ટમાં હાજર ન થતાં તેમની ટ્રાયલ માટે અલગ કેસ કર્યો છે.

