પાલનપુર: પાલનપુર તાલુકાના હેબતપુર ગામના વતની અને દાંતીવાડા સીપુ સિંચાઈ વિભાગમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતાં એક ક્લાસ વન અધિકારીએ અન્ય યુવતી સાથે પ્રેમલગ્ન કરી પોતાની પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપી તેને ત્રિપલ તલાક આપવાના ગુનામાં પાલનપુરની કોર્ટે રાજ્યમાં સૌપ્રથમવાર આરોપીને એક વર્ષની કેદ અને પાંચ હજારના દંડની સજા ફટકારી છે તેમજ દહેજ ધારા અને શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારવામાં પણ દોઢ વર્ષની કેદ અને રૂ. 1500નો દંડ કર્યો છે.
વડગામ તાલુકાના જૂની નગરી ગામની શહેનાઝબાનુ નામની યુવતીના પાલુપુર તાલુકાના હેબતપુર ગામના વતની અને દાંતીવાડા સીપુ નિગમમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા સરફરાઝ ખાન મહંમદ બિહારી સાથે લગ્ન થયા હતા બાદમાં આ દંપતીને એક પુત્રીનો જન્મ થયો હતો. જોકે, આ ક્લાસ વન અધિકારીને સહકર્મી હિન્દુ યુવતી સાથે પ્રેમ થતાં તે તેને લઈ ભાગી ગયો હતો. બાદમાં તેના પિતાના યુવતીના પિયરિયાને સમજાવીને યુવતીને તેના પતિ સાથે પાલનપુર ભાડાના મકાનમાં રહેવા લાવી હતી તેમ છતાં તે તેની પત્ની સાથે સંબંધ ન રાખતો તે અરસામાં તેના પતિની પ્રેમિકાને પુત્રનો જન્મ થતાં તેનો વિરોધ કરતાં પરિણીતાને ગડદા-પાટુનો માર મારી ત્રણ વાર તલાક – તલાક – તલાક બોલીને તેને પુત્રી સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી. જે મામલે પીડિત મહિલાએ પાલનપુર પોલીસ સ્ટેશનમાં તેના પતિ વિરુદ્ધ ત્રિપલ તલાક, શારીરિક-માનસિક ત્રાસ આપવા અને દહેજ ધારા અગે ફરિયાદ કરી હતી.

