સંક્ષિપ્ત સમાચાર

Tuesday 10th May 2022 16:04 EDT
 

• સહકારી આગેવાન પરથી ભટોળના પુત્ર વસંતની ભાજપમાં ઘરવાપસીઃ સહકારી આગેવાન પરથી ભટોળના પુત્ર વસંત ભટોળ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની હાજરીમાં ખેસ પહેરીને ભાજપમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, વસંત ભટોળ ભાજપમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પછી કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાંથી ફરી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, ભૂલ થવી એ એક પ્રકૃતિ છે અને ભૂલને સધારવી એ પ્રગતિ છે, ભાજપ મારી માતૃ સંસ્થા છે. આ સંસ્થાએ મને માતા સમાન પ્રેમ આપ્યો છે.
• ગુજરાત હાઇકોર્ટના પારડીવાલા સુપ્રીમના ન્યાયાધીશ તરીકે નિમાયાઃ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં વધુ બે ન્યાયાધીશોની નિમણૂંકને મંજૂરી આપી દીધી છે. જેમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જમશેદ બી. પારડીવાલા અને ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુધાંશુ ધુલિયાનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ બંને ન્યાયાધીશોની નિમણૂંક મંજૂરી આપી દીધી છે. પાંચમી મેએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્નાની અધ્યક્ષતાવાળી કોલેજિયમે કેન્દ્ર સરકારને આ બંને ન્યાયાધીશોના નામ મોકલ્યા હતા. જેને મંજૂર કરી લેવામાં આવ્યા છે. જેને પગલે આગામી સપ્તાહે બંને ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પદે શપથ ગ્રહણ કરશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટમાં કુલ ન્યાયાધીશોનો જે કોટા હતો તે પણ પૂરો થઈ ગયો છે અને સંખ્યા વધીને 34 સુધી પહોંચી ગઈ છે.
• મુખ્યમંત્રી વિપક્ષી ઉપનેતાને સરકારી વિમાનમાં બેસાડતા રાજકીય ગરમાવો !ઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર સાથે સરકારી વિમાન મારફતે જામનગર પહોંચ્યા હતા. પૂ્ર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફ હકૂભા દ્વારા આયોજીત ભાગવત કથામાં ભાગ લેવા પહોંચેલા ભાજપના આ ત્રણેય આગેવાનો વચ્ચે વિપક્ષના ઉપનેતા શૈલેષ પરમાર પણ જોવા મળ્યા હતા. એટલું જ નહીં, અમદાવાદથી જમીન માર્ગે જામનગર પહોંચેલા કોંગ્રેસના શૈલેષ પરમાર ભાજપના ત્રણેય આગેવાનો સાથે સરકારી વિમાનમાં પરત આવ્યા હતા. વિપક્ષના ઉપનેતાની મુખ્યમંત્રી સાથે હવાઈ યાત્રાથી સોશિયલ મીડિયામાં ભાજપ-કોંગ્રેસનું રાજકારણ ગરમાયું છે.
• ભાજપ વિધાનસભા બેઠક દીઠ બે-બે વાલીઓ નિમશેઃ નિર્ણય ટૂંક સમયમાંઃ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટમેળવવા દાવેદારોએ અત્યારથી લોબિંગ શરૂ કર્યું છે. જેઓ ટિકિટમાં કપાય તેમનો રોષ ખાળવા માટે ભાજપ 'વાલી યોજના' અમલી બનાવવા જઈ રહ્યો છે. ટિકિટવાંચ્છુ મૂરતિયાઓને અણવર બનાવતી યોજનામાં ભાજપ વિધાનસભાની બેઠકદીઠ બે-બે વાલીની નિમણૂંક કરવા જઈ રહ્યું છે. જો કે આખરી નિર્ણય ટૂંક સમયમાં લેવાશે.
• બી.એલ.સંતોષ અને પાટિલ વચ્ચે અઢી કલાક મિટિંગ ચાલીઃ ગુજરાતમાં વધતી ગરમી વચ્ચે ભાજપમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓનો પારો પણ સતત ઉંચે ચઢી રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય સગંઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાતના પ્રવાસે હતા. અમદાવાદ સ્થિત RSSના હેડક્વાર્ટરમાં ગુજરાત પ્રાંતની સમન્વય બેઠકમાં સંતોષ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે અઢી કલાક મિટિંગ ચાલી હતી. બંધ બારણે મળેલી આ બેઠકમાં શુ થયુ તે તો બહાર આવ્યુ નથી પરંતુ, કિસાન સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ઉદ્યોગ ભારતી, વિશ્વ ભારતી, સંસ્કાર ભારતી સહિતની RSSની ભગીની સંસ્થાઓના આગેવાનો તરફથી આ બેઠકમાં આગામી ચૂંટણીલક્ષી ફિડબેક રજૂ થયાનું કહેવાય છે.
• કોંગ્રેસના ચાર પાટીદાર MLA સાથે નરેશ પટેલ દિલ્હી પહોંચ્યા, હાઈકમાન્ડ મળ્યાંઃ ખોડલધામના વડા અને લેઉવા પટેલ સમાજના નેતા નરેશભાઈ પટેલને સાથે રાખીને ચાર કોંગ્રેસના ધારાસભ્યો આજે દિલ્હી જઈ કોંગ્રેસના હાઈકમાંડને મળ્યાની વિગતો સાંપડે છે. આ પ્રતિનિધી મંડળની સાથે રહેલા કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું હતું કે, હા અમે આજે નરેશભાઈ પટેલને સાથે રાખીને અમારી હાઈ કમાંડને મળ્યા છીએ. હાઈકમાન્ડના નેતાઓ સમક્ષ અમારી રજૂઆતો કરી છે.
• પ્રેમસ્વરુપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે સમાધાન માટેની બેઠક નિષ્ફળઃ સોખડા-હરિધામના વિવાદમાં હાઈકોર્ટના માર્ગદર્શન પ્રમાણે પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરુપ સ્વામી તથા તેમના વકીલો વચ્ચે અમદાવાદના ગુજરાત હાઈકોર્ટના મીડિએશન સેન્ટરમાં બેઠક મળી હતી. જો કે મળતી વિગતો પ્રમાણે આ બેઠકનુ કોઈ સુખદ પરિણામ આવ્યુ નથી.બંને પક્ષો વચ્ચે લગભગ ૩ કલાકની મેરેથોન ચર્ચામાં બંને પક્ષોએ સમાધાન માટે તૈયાર હોવાનું કહ્યું હતું. સંસ્થાનો વહિવટ એકતાથી તથા સંપથી ચાલે તે મુદ્દા પર વિચારણા થઈ હતી. જોકે લાંબી બેઠક બાદ પણ કોઈ નિષ્કર્ષ નીકળી શક્યો નહતો અને સમાધાન માટે વધુ એક પ્રયાસ કરવાનુ નક્કી થયું હતું. જે પ્રમાણે તા.૧૨મેના રોજ હવે બંને પક્ષોની વધુ એક બેઠક હાઈકોર્ટના મીડિએશન સેન્ટરમાં સવારે ૧૧-૩૦ વાગ્યે યોજાશે અને મુંબઈ હાઈકોર્ટના નિવૃત્ત જજ મોહિત શાહ આ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં સમાધાન માટેની વધુ
ચર્ચા થશે.


comments powered by Disqus