સુરત: સુરતના કામરેજ તાલુકાના પાસોદરા ખાતે ગત તા. 12મી ફેબ્રુઆરીના રોજ એકતરફી પ્રેમમાં ફેનિલ ગોયાણીએ 21 વર્ષીય યુવતી ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી હત્યા કરી દીધી હતી. આ ચક્ચારી કેસમાં સુરતની સેશન્સ કોર્ટે હત્યારા ફેનિલને ફાંસીની સજા ફટકારી છે. ચુકાદામાં સેશન્સ જજ વિમલ કે. વ્યાસે નોંધ્યું હતું કે હત્યારાએ આયોજનબદ્ધ રીતે ખૂનને અંજામ આપ્યો છે.
આ કેસમાં અમરોલી કોલેજમાં અભ્યાસ કરતી ગ્રીષ્મા વેકરિયાની સાથે બળજબરીપૂર્વક પોતાના સંબંધ યથાવત્ રાખવા માટે ફેનિલ તેનો સતત પીછો કરતો હતો. યુવતીને પરિવારે સમજાવવા છતાં જીદ નહીં છોડનાર ફેનિલ ગત તા. 12 ફેબ્રુઆરીના રોજ સાંજે છ વાગ્યાને પાસોદરા ખાતે ગ્રીષ્માના ઘરે પહોંચી ગયો હતો. ગેટ પાસે જ પહેલાં ગ્રીષ્માના ભાઈ અને ત્યારબાદ કાકાને ચપ્પુના ઘા માર્યા હતા. ઘરની બહાર આવેલી ગ્રીષ્માના ગળા પર ચપ્પુ ફેરવી બેરહેમીથી હત્યા કરી હતી. કેસમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આ હત્યા આયોજનબદ્ધ, ક્રૂરતાથી ઠંડે કલેજે કરાઈ હોય આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણી હત્યારાને કેપિટલ પનિશમેન્ટની માગણી કરી હતી.
કોર્ટના ચુકાદાના મહત્ત્વના મુદ્દાઓ
• નિર્ભયા અને આંતકી કસાબના કેસનો ઉલ્લેખ • હત્યારાની કઠોર, ક્રોધી તથા વિકૃત ગુનાહિત માનસિકતા • હત્યાનો નિર્ણય અને તેના માટે ગણતરીપૂર્વકનું આયોજન • ગ્રીષ્માની ભયભીત અને નિઃસહાય સ્થિતિ • ગ્રીષ્મા દ્વારા ઉશ્કેરાટભર્યું વર્તન નહીં કરાયાની નોંધ
આરોપીએ શસ્ત્રો ખરીદવા માટે વેબ સર્ચ કર્યું
ફેનિલ ગ્રીષ્માના પરિવારને જાની મારી નાંખવાની આપેલી ધમકીને પૂરવાર કરવા માટે પોતાના મોબાઈલ પરથી એ.કે.47 જેવી એસોલ્ટ રાઈફલ ખરીદવાથી માંડીને અન્ય ગન, તલવાર, આર્મી નાઈફ, સર્વાઈવલ નાઈફ, 9 એમ.એમ. પિસ્ટલ, ભારત અને પાકિસ્તાનમાં ગેરકાયદે વેચાતા હથિયાર અંગેની માહિતી મેળવવાનું સર્ચ તેમજ હથિયારના વેપારીઓ સાથે બિઝનેસ ચેટ પણ કર્યું હોવાનું તેના મોબાઈલની તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. કોર્ટે પણ ચુકાદામાં તેનો ઉલ્લેખ કરી આરોપી દ્વારા કઈ રીતે તે આયોજન કરાયું છે તે સ્પષ્ટ થતું હોવાનું નોંધ્યું છે.

