જામનગર: જામનગર કુખ્યાત ભૂમાફિયા અને યુકેમમાં પકડાયેલા નામચીન જયેશ પટેલ અને તેને ગેંગ સામે આંગડિયા હવાલાના નેટવર્ક અને ભોગ બનેલા વધુ આઠના અનુસંધાને વધુ બે હજાર પાનાનું સપ્લીમેન્ટરી ચાર્જશીટ કોર્ટમાં રજુ કરવાનો નિર્ણય લેવાયો છે.
જયેશ પટેલ અને તેની ટોળકી સામે નોંધાયેલા સંખ્યાબંધ ગુનામાં ૧૬ જેટલા શખ્સોની ધરપકડ કરીને જુદી જુદી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. કુખ્યાત જયેશ પટેલ પણ લંડન (યુકે)માં પકડાયો છે. તેનો પ્રત્યારોપણ દ્વારા કબજો મેળવવા પ્રક્રિયા ચાલી રહી છે.
આ શખ્સ અને તેની ટોળકી સામેની તપાસ દરમિયાન આઠ જેટલા આસામીઓને ધાકધમકી આપીને પૈસા પડાવવામાં આવ્યાની વિગતો સામે આવી હતી. એટલું જ નહીં પણ ભોગ બનનાર આઠ વ્યક્તિ પાસેથી કઈ રીતે ખંડણી વસૂલવામાં આવી હતી. જયેશ પટેલના નજીકના સંબંધીઓ કે તેની સાથે સંડોવાયેલા લોકો દ્વારા ભારતમાંથી યુકે, યુએસમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું અને તે રૂપિયા જયેશ પટેલને પાઉન્ડના રૂપમાં મળી જતાં હોવાની બાબતો પણ પ્રકાશમાં આવી છે. આંગડિયા અને હવાલા મારફતે રૂપિયા ટ્રાન્સફર કરવાના નેટવર્કની વિગતો, દસ્તાવેજી પુરાવાઓ, કોલ રેકોર્ડિંગ સહિતની ચાર્જશીટ રાજકોટની સ્પેશ્યલ કોર્ટમાં રજુ કરવામાં આવશે. અગાઉ જયેશ પટેલ અને તેની ટોળકી સામે ત્રણ હજાર પાનાનું ચાર્જશીટ રજુ કરાયું હતું. હાલમાં જામનગર પોલીસ દ્વારા જયેશ પટેલ અને તેની ટોળકીની રૂ. આઠ કરોડની મિલકત સીઝ કરવામાં આવી છે.
