દેશના વેસ્ટઝોનની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે પ્રથમ સ્થાને સાબરકાંઠાનું તખતગઢ ગામ

Tuesday 11th January 2022 13:50 EST
 

હિમતનગર: કેન્દ્રિય જલશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામના જલસંચય અને કરકસરયુક્ત ઉપયોગને ધ્યાને લઇ દેશના વેસ્ટઝોનની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે પ્રથમ સ્થાને પસંદગી કરતા તખતગઢ ગામે જિલ્લાનુ પણ ગૌરવ વધાર્યું છે.
પીવાના પાણી માટે વોટર વર્કસ (ટાંકી) ૧૦૦ ટકા લોકભાગીદારીનું ઉદાહરણ ઇ.સ. ૧૯૬૫માં શ્રીમતી ગોમતીબેન શામજીભાઈ ધોળુએ પૂરુ પાડયું હતું. બે હવાડા, ઘર ઘર નલ - હર ઘર જલનું સૂત્ર તે સમયે સાકાર કરાયેલું. વિકાસકામોમાં મેળવેલ સિદ્ધિઓ બદલ ગામને અનેક એવોર્ડથી નવાજવામાં આવેલ છે.
તખતગઢ ગુજરાતનું પ્રથમ મોડલ વાસ્મો અંતર્ગત ૨૪ કલાક ઘેર ઘેર પીવાનું પાણી મીટર દ્વારા આપતું પ્રથમ સ્માર્ટ વિલેજ બન્યું છે. ગામનો કૃષિ વિકાસ પણ ઉડીને આંખે વળગે તેવો છે. પ્રગતિશીલ ખેડૂતોની આવડત અને કૌશલ્યથી એક સમયે તખતગઢને કપાસના ગઢ તરીકે ઓળખવામાં આવતું હતું. ખેતી પદ્ધતિથી આજુબાજુના ગામના ખેડૂતોએ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને એમણે પણ કબૂલ્યું છે કે તમારા વડીલો અમારા કૃષિ ગુરુ છે. કૃષિ વિકાસ માટે પાણીના સંગ્રહ માટે ચેક ડેમો તળાવ ગામલોકોની લોકભાગીદારીથી ગામને સમર્પિત કરાઈ છે. ગામના ખેડૂતો દ્વારા ઉત્પાદન કરતો કપાસનો પાક જોવા માટે વિદેશી ખેડૂતો જેવાકે સુદાન દેશના ખેડૂતો એક ખાસ મુલાકાત લીધેલી રાષ્ટ્રીય કક્ષાએથી ભારતના પૂર્વોત્તર રાજ્યો આસામ, મણિપુર તથા મેઘાલય રાજ્યના જાગૃત ખેડૂતો પણ તખતગઢની મુલાકાત લીધેલ છે. ગામને વિકાસકામોમાં મેળવેલ સિદ્ધિઓ બદલ સરકાર દ્વારા વિવિધ એવોર્ડથી નવાજવામાં આવ્યું છે, પ્રતિ એક હજાર લિટર પાણીનો માત્ર ૧ રૂપિયો જ લેવાય છે, અગાઉ પાણીની ટાંકી ભરવા સતત ૨૩ કલાક મોટર ચાલતી હતી હવે ફક્ત ૯-૧૦ કલાકમાં ટાંકી ભરાઇ જાય છે.


comments powered by Disqus