પાલીતાણા તાલુકાના મેઢા ગામે જોવા મળ્યું દુર્લભ પક્ષી ચિલોત્રા

Tuesday 11th January 2022 14:01 EST
 
 

ભાવનગરઃ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળતું ચિલોત્રા નામનું પક્ષી એક સમયે ભાવનગરમાં પણ સામાન્ય રીતે જોવા મળતું હતું. પરંતુ તેનાં શિકાર અને મોટાં વૃક્ષોનાં નિકંદનના પગલે ચિલોત્રો ભાવનગર અને પછીથી સમગ્ર સૌરાષ્ટ્ર માટે પણ દુર્લભ બની ગયું. ખાસ કરીને તેના માળા માટે અનુકૂળ જગ્યા ન મળવાથી સૌરાષ્ટ્રમાંથી તે નામશેષ થઈ ગયાં.
હવે ૭૦ વર્ષ બાદ ભાવનગર જિલ્લાનાં પાલીતાણા તાલુકાના મેઢા ગામના વાડી વિસ્તારમાં પક્ષી નિરીક્ષણ કરતી વખતે પ્રકૃતિવિદ્દ શિક્ષક રોનિત વસાણી દ્વારા આ પક્ષી જોવામાં આવ્યું અને તેને કેમેરામાં કંડારી લેવામાં આવ્યું.
ચિલોત્રો કે જેને અંગ્રેજીમાં Grey hornbill કહે છે, તે રાખોડી રંગનું અને કાગડાથી સહેજ મોટું પક્ષી હોય છે. તેની ચાંચ ઉપરના ભાગમાં આવેલી શિંગડાં જેવી વિશિષ્ટ રચનાને કારણે તેને અંગ્રેજીમાં હોર્નબીલ કહે છે. આ પક્ષી મુખ્યત્વે ફળો અને જીવાતો આરોગે છે અને સામાન્ય રીતે વધુ વૃક્ષો હોય તેવા વિસ્તારમાં જોવા મળે છે. ચિલોત્રાનાં અણધાર્યાં આગમનથી પક્ષીપ્રેમીઓમાં ખુશીની લાગણી અનુભવાઇ છે.


comments powered by Disqus