ભરૂચઃ ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલા અરૂણોદય બંગ્લોઝ ખાતે રહેતી અંકિતા હિરેન મિસ્ત્રી શનિવારે સાંજના સમયે તેના ઘરથી એક્ટીવા પર ૯ વર્ષની પુત્રી સાથે ભોલાવ ખાતેના ભૃગૃઋષિ બ્રીજ પર થી વેજલપુર ખાતે તેની સાસરી કામ અર્થે જવા નીકળી હતી. દરમિયાનમાં ભૃગૃઋષિ બ્રીજ પરથી પસાર થતાં સમયે પતંગનો દોરો તેના ગળાના ભાગે આવી જતાં તેની બાઇક સ્લીપ થઇ ગઇ હતી. ઘટનાએ પગલે આસપાસના લોકો દોડી આવી તેને બચાવવા માટેનો પ્રયાસ કરતાં તેના ગળામાં પતંગના દોરાને કારણે જીવલેણ ઘા થયો હોવાનું જણાયું હતું. બીજી તરફ તેની પુત્રી પણ માતાને લોહીલુહાણ જોઇને રોકકડ કરવા લાગી હતી. ગંભીર રીતે ઘવાયેલી અંકિતાએ તાત્કાલિક ૧૦૮ની મદદથી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે. તેની સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું. માતાના મૃતદેહ પાસે હેબતતાઇ ગયેલી તેની ૯ વર્ષની પુત્રીના આક્રંદથી આખાવાતાવરણણાં શોકમય બની ગયું હતું.
