રાજ્યમાં ૭,૪૭૬ નવા કેસ, ત્રણના મોત સુરતમાં પોઝિટિવ કેસ પહેલીવાર ૨ હજારને પાર

Wednesday 12th January 2022 09:19 EST
 
 

અમદાવાદઃ રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. જૂનથી ડિસેમ્બર ૨૦૨૧ના ૬ મહિના કરતા ડબલ કેસ જાન્યુઆરીના ૧૧ દિવસમાં નોંધાયા છે. ૧૧ જાન્યુઆરીની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં૭૪૭૬ નવા કેસ નોંધાયા છે. વલસાડ, સુરત અને પોરબંદર જિલ્લામાં ૧-૧ દર્દી મળી રાજ્યમાં કુલ ૩ દર્દીના મોત થયા છે. એટલું જ નહીં, ૮ મહિના બાદ પહેલીવાર રાજ્યમાં ૭ હજારથી વધુ કેસ આવ્યા છે. અગાઉ ૧૭ મેના રોજ ૭૧૩૫ કેસ હતા. ત્રીજી લહેરમાં પહેલીવાર સુરતમાં ૨ હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં ૨૯૦૩ કેસ છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં ૮ લાખ ૭૫ હજાર ૭૭૭ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક ૧૦ હજાર ૧૩૩ છે. તેમજ અત્યાર સુધીમાં ૮ લાખ ૨૮ હજાર ૪૦૬ દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૩૭ હજાર ૨૩૮ એક્ટિવ કેસ છે, જેમાંથી ૩૪ દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે ૩૭ હજાર ૨૦૪ દર્દીની હાલત સ્થિર છે.

પૂર્વ મંત્રી બાવળિયા, ધારાસભ્ય સાબરિયા કોરોનાથી સંક્રમિત

ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. રોડ-શો, પ્રશિક્ષણ વર્ગ, સ્નેહમિલન સહિતના કાર્યક્રમમાં જનારા મંત્રી બાદ એક પછી એક ધારાસભ્યો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ભાજપના પૂર્વ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા અને ધારાસભ્ય પુરુષોત્તમ સાબરિયા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મંત્રી જીતુ ચૌધરી, ભાજપના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, ધારાસભ્ય ઝંખના પટેલ ઉપરાંત નવસારીના ધારાસભ્ય પીયૂષ દેસાઈ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. આ દરમિયાન કોંગ્રેસના સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાતને પણ કોરોના થયો છે. હવે પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાને પણ કોરોના થયો છે.

આરોગ્ય સચિવ શિવહરે તેમના આઈપીએસ પત્ની, દીકરી ‘ઓમિક્રોન પોઝિટિવ’

ગત સપ્તાહના મંગળવારે કોરોનાગ્રસ્ત થયેલા આરોગ્ય વિભાગના અધિક મુખ્યસચિવ એસીએસ મનોજ અગ્રવાલ, આરોગ્ય સચિવ જયપ્રકાશ શિવહરે અને નાણા વિભાગના અગ્રસચિવ જે.પી. ગુપ્તાના જિનોમ સિકવન્સિંગના રિપોર્ટમાં ઓમિક્રોન વેરિઅન્ટ મળ્યો છે. શિવહરેના કોરોનાગ્રસ્ત થયા બાદ તેમના આઈપીએસ પત્ની અર્ચના શિવહરે અને તેમની દિકરીને પણ ચેપ લાગ્યો હતો. આ બંનેના જિનોમ સિકવન્સિંગના રિપોર્ટમાં ઓમિક્રોનની પુષ્ટી થઈ છે.

ઓમિક્રોનના શૂન્ય નવા કેસ

રાજ્યમાં ૧૧ જાન્યુઆરીએ ઓમિક્રોનના શૂન્ય કેસ છે. ૧૦ જાન્યુઆરીએ અમદાવાદ શહેરમાં ૫, આણંદમાં ૪, ગાંધીનગર શહેરમાં ૫, વડોદરા શહેરમાં ૯, કચ્છમાં ૨, ગાંધીનગર જિલ્લામાં ૧ અને રાજકોટ શહેરમાં ૨ નવા ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં ૨૭, આણંદમાં ૨, મહેસાણામાં ૩ કચ્છમાં ૫ એમ કુલ ૩૭ દર્દી ડિસ્ચાર્જ થયા છે.


comments powered by Disqus