રાજકોટઃ રાષ્ટ્રભાવનાને વરેલા વરિષ્ઠ સ્વયંસેવક મનસુખભાઇ છાપિયાનું ૯૨ વર્ષની જૈફ વયે અવસાન થતાં શોક ફેલાયો છે. તેમની ઇચ્છાનુસાર તેમના પાર્થિવ શરીરનું દેહદાન કરાયું હતું. તેઓ મૂળ જામનગરના વતની હતા, પરંતુ વર્ષોથી રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી હતી. તેમણે કર્મભૂમિ શબ્દને સાર્થક કરતા વોર્ડના કાર્યકર્તા તરીકે શરૂઆત કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખા દ્વારા હજારો સ્વયંસેવકોનું નિર્માણ કનાર સેવા - સમર્પણના પ્રતીક હતા. તેઓ ભારતમાતાને પરમ વૈભવનાં શિખરે લઇ જવા આજીવન કાર્યરત રહ્યાં. રાજકોટના સ્વ. ચીમનભાઇ શુકલ, સ્વ. અરવિંદભાઇ મણિયાર, સ્વ. કેશુભાઇ પટેલ, વજુભાઇ વાળા, સ્વ. ડો. પી.વી. દોશી જેવા દિગ્ગજ કાર્યકરો સાથે ખભેખભા મિલાવીને કાર્ય કર્યું હતું. મનુસુખભાઇ આજીવન સાઇકલ પર જ ફર્યા હતા, અને સંઘનો વ્યાપ વધે તે માટે સદાય પ્રવૃત્ત રહ્યા હતા. ગૌપ્રેમી દેશભક્ત છાપિયાજીએ શ્રદ્વાસુમન અર્પણ કરતાં ડો. વલ્લભભાઇ કથીરિયાએ જણાવેલ કે, તેઓ પ્રખર ગૌભક્ત, ગૌપ્રેમી હતા. રાષ્ટ્રપ્રેમ એમના રગેરગમાં હતો.
