સુરતઃ ભારતના વિવિધ રાજ્યો સાથે ગુજરાત અને સુરતમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો આવતાં રોજગારી માટે આવેલા પરપ્રાંતિય શ્રમિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને ફરી વાર લોકડાઉન લાગુ થશે તેવા ડરથી શ્રમિકોએ શહેરમાંથી પલાયન શરૂ કરી દીધું છે. તો કેટલાક શ્રમિકો નોકરીમાંથી કાઢી મૂક્યા હોવાના આક્ષેપ પણ કર્યાં છે.
દેશના કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. જેને પગલે વતનથી દૂર રોજગારી માટે સ્થાયી થયેલા કારીગરો-કામદારોએ વતન ભણી જવાનું શરૂ કર્યું છે. મુંબઈમાંથી મોટી સંખ્યામાં શ્રમિકો વતન જવા રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા જયાં તેમની હાલત કફોડી થઈ હતી. સુરતમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું હોવાથી આગામી દિવસોમાં કડક નિયંત્રણો અથવા તો લોકડાઉન લાગુ થવાનો તેમને ડર પેસી ગયો છે. પહેલી અને બીજી લહેર વખતે પરપ્રાંતિય શ્રમિકોની હાલત દયનીય બની હતી. આરંભિક તબક્કે તેમણે સહપરિવાર પગપાળા કે સાયકલ પર હિજરત શરૂ કરી હતી.
