ગાંધીનગરઃ ગુજરાત સરકારે ૬ જાન્યઆરીએ અચાનક જ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન રદ્દ જાહેર કર્યું. સવારે મુખ્યમંત્રી અને અન્ય સિનિયર મંત્રીઓ અને સિનિયર અધિકારીઓની સમિટના આયોજન સ્થળ મહાત્મા મંદિર ખાતે તૈયારી અને આયોજનની સમીક્ષા માટે બેઠક યોજાવાની હતી, તેને સ્થાને અચાનક આખેઆખી સમિટ જ રદ્દ કરાઇ હોવાની જાહેરાત થઇ. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકારે ૫ જાન્યઆરીએ જ આ સમિટના આયોજનને લઇને ભીતિ વ્યક્ત કરતો એક પત્ર વડાપ્રધાન કાર્યાલયને લખ્યો હતો, તેના જવાબમાં સરકારે આ આયોજન રદ્દ કર્યું છે.
એક સાથે રાજ્યના પાંચ વરિષ્ઠ અધિકારીઓ કોવિડ પોઝિટિવ આવ્યા અને તેઓ વાઇબ્રન્ટ સંબંધિત જવાબદારીઓ સાથે સંકળાયેલાં હતાં. આ ઉપરાંત અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ તેમની સાથે સતત બેઠકો યોજતાં હોવાથી સચિવ કક્ષાના ઘણાં અધિકારીઓ માટે સંકટ ઊભું થયું હતું.
આ ઉપરાંત રાજ્યકક્ષાના મંત્રી જીતુ ચૌધરી પણ કોવિડ પોઝિટીવ આવ્યા છે અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ સાવચેતી રાખીને કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો, જો કે તે નેગેટિવ આવ્યો હોવાનું જાણમાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે આ સમિટમાં રશિયાના વડાપ્રધાન એક મોટું પ્રતિનિધીમંડળ લઇને સમિટમાં આવવાના હતા પરંતુ તેમણે પ્રવાસ રદ્દ કર્યો. આ સાથે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ પણ આવવાના હતા પરંતુ તેઓ પણ પોઝિટીવ આવ્યા અને તેમણે પ્રવાસ રદ્દ કર્યો.
વાઈબ્રન્ટ સમિટ યોજવા જિદે ચઢેલી ગુજરાત સરકારને છેવટે તેને મોકૂફ રાખવાની ફરજ પડી છે. સાથે જ અમદાવાદમાં યોજાનારો ફ્લાવર શો તથા કાઇટ ફેસ્ટિવલ પણ રદ કરાયો છે.
રજિસ્ટ્રેશન કરાવનારાઓને આમંત્રણ કાર્ડ મળ્યું નહોતું!
VGS-૨૦૨૨ અને તેના સેમિનાર માટે દેશ વિદેશમાંથી ઉદ્યોગપતિઓ, રોકાણકર્તા સહિતના ૧૭,૩૪૨ ડેલિગેટ્સ અને ૭૦૫૮ કંપનીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જો કે, સમિટને આડે ત્રણ દિવસ જ બાકી રહ્યા હતા ત્યારે રજિસ્ટ્રેશન કરાવનારાઓેને આમંત્રણ કાર્ડ મળ્યું નહોતું. કહેવાય છે કે, કોરોનાને કારણે છેલ્લી ઘડી સુધી સમિટનું સ્વરૂપ વર્ચ્યુઅલ કે હાઇબ્રિડ રાખવું તે જ નક્કી નહોતું. છેવટે સમિટ જ મોકૂફ કરી દેવાઈ છે.

