ભુજઃ કચ્છના વિવિધ વિસ્તારના બિનનિવાસી યુકે, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા હોય કે પછી ગલ્ફ, અમેરિકા કે અન્ય કોઇ દેશમાં વસી ગયા હોય, એવા અગણીત એનઆરઆઇ જન્મ અને કર્મભૂમિ પ્રત્યેનો ઋણ દિલોજાનથી ચૂકવતા રહ્યા છે.
મૂળ ભુજ તાલુકાના ફોટડીના અને મોમ્બાસા રહેતા હસમુખ રામજી ભુડીયાએ કચ્છમાં ૨૦૦ કરોડના માતબર દાનની સરવાણી વહાવી છે.
આફ્રિકાના ટોચના ઉદ્યોગપતિઓમાં જેમની ગણના થાય છે તેવા કચ્છ સાથે અતૂટ નાતો ધરાવતા અને આફ્રિકામાં ગુરૂના નામથી પ્રખ્યાત ઉધોગપતિ નરેશ રમેશચંદ્ર રાવલ એટલે સંઘર્ષનું બીજું નામ. એમણે પણ ભારતમાં અને આફ્રિકામાં સેવાકાર્યોમાં દાન આપવામાં કોઇ પાછીપાની કરી નથી. મોરબી નજીક આવેલા મથક ગામના આ ભૂદેવે ૧૯૭૪મા ભુજ સ્વામિનારાયણ વિદ્યાલયમાં અભ્યાસ માટે આવ્યા હતા. બાદમાં ભુજ સ્વામિનારાયણ મંદિરમાં ઠાકોરજીનો થાળ પણ તેઓ બનાવતા. પૂર્વ આફ્રિકામાં આવેલા મંદિરમાં પુજારી અને ગોરપદાની સેવાથી પરમીટ કેન્સલ થતાં તેમના જીવનમાં નવો વળાંક આવ્યો અને પ્રથમ હાર્ડવેરની દુકાન થી શરૂઆત કરી આજે આફ્રિકાના ઉદ્યોગ જગતમાં રૂ. ૫૦૦૦ કરોડનું સામ્રાજ્ય ઉભું કર્યું છે.
એક એવો સમય પણ હતો જ્યારે તેમને સ્કૂલમાં પગરખાં વગર જવુ પડ્યું હોય કે રાત્રે ભૂખ્યા પેટે ઊંઘવું પડ્યું હોય તેવુ અનેક વાર બન્યું હતું . દેવકી સ્ટીલ ટ્રેડીંગ કંપની શરૂ કરી અને એક દાયકા કરતાં પણ ઓછા સમયમાં તે નામ કેન્યામાં ખૂબ જાણીતું થઈ ગયું છે. ટૂંકા સમયમાં આફ્રીકામાં રૂફીંગ ફેકટરીઓ, સિમેન્ટ પ્લાન્ટ અને અન્ય બિઝનેસ ઉભા કર્યા . હાલમાં દેવકી ગ્રુપ ૬૫૦ મિલિયન ડોલર (આશરે રૂ . ૪૫૫૦ કરોડ)નું ગણાય છે અને તેની ગણના આફ્રિકાનાં સૌથી મોટાં બિઝનેસ હાઉસમાં થાય છે. ફોર્બઝની આફ્રિકાની સૌથી વધુ ૫૦ ધનિકોની યાદીમાં તેમનો સમાવેશ થયો છે . આ ઉદ્યોગપતિ ૬,૨૦૦ થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. તેમણે આફ્રીકામાં સંખ્યાબંધ અનાથ આશ્રમ શરૂ કર્યા છે.
ચોવીસીના પટેલો કમાણીનો દસમો ભાગ સેવામાં ખર્ચે
ભુજ મંદિરના અ. નિ. મહંત સ્વામી હરિસ્વરૂપદાસજીએ ચોવીસીના લેવા પટેલોને વિદેશોમાં ધંધા રોજગાર માટે જશો તો સુખીયા થશો તેવા આશિષ આપ્યા હતા. આજ પણ વિદેશ જાય ત્યારે વર્તમાન મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજીના આશીર્વાદ લઈને પ્રસ્થાન કરે છે. જે તે દેશમાં રહેતા મૂળ કચ્છના પટેલો તેમની મહેનત અને કામ પ્રત્યેની લગનથી જે કમાય છે એમાંથી દસમો ભાગ ધાર્મિક અને સેવાકીય પ્રવૃતિઓમાં વાપરે છે. આ પૈકીના કેટલાક સમાજ અને રાષ્ટ્ર માટે પોતાનું યોગદાન લાખો અને કરોડોમાં આપે છે તેમ ભુજ મંદિરના મહંત સ્વામીએ જણાવ્યું હતું.
મોમ્બાસાવાસી કચ્છીએ સેવા પાછળ કુલ રૂ. ૫૦૦ કરોડ આપ્યા
ફોટડીવાળા હસમુખભાઇએ કચ્છ હોય કે મોમ્બાસા અત્યાર સુધી સેવાકાર્યો માટે કુલ ૫૦૦ કરોડ ખર્ચ્યા છે. મોમ્બાસામા કોઈપણ પ્રકારની લોક સુવિધા માટે સૌ પ્રથમ ત્યાંની સરકાર આ દિલેર દાતાને યાદ કરે છે. ક્લીન મોમ્બાસા ગ્રીન મોમ્બાસા અભિયાન માટે તેમણે આધુનિક મોટી મોટી મશીનરીઓ સાથે વાહનો આપ્યા હતા.
