સુરતઃ રાજ્યના ગૃહમંત્રીના શહેરમાં બેફામ બનેલા પ્રદુષણ માફિયાઓના પાપે છ નિર્દોષ કમદારોના મોત થયા હતા. સુરત શહેરના સચિન જીઆઈડીસીમાં વેસ્ટનો ગેરકાયદે નિકાલ કરતી વખતે ગેસ ગળતર થતાં આ કરુણાંતિકા સર્જાઈ હતી.
વડોદરા પાસિંગના ટેન્કરમાંથી મળસ્કે સચિન જીઆઈડીસી ખાતેની ખાડીમાં ગેરકાયદે ઝેરી કેમિકલ ઠલવાઈ રહ્યું હતું. ઝેરી કેમિકલનો ગેરકાયદે નિકાલ કરતી વખતે ટેન્કરનો વાલ્વજ લિકેજ હતો. તેમાં ગેસ નીકળતો નજીકમાં આવેલી વિશ્વા પ્રેમ નામની ડાઇંગ મીલ સુધી ઝેરી કેમિકલમાંથી નીકળતા ઝેરી ગેસની અસર થઈ હતી. ત્યાં કામ કરતા સંખ્યાબંધ કામદારો ગૂંગળામણ થતાં તરફડવા લાગ્યા હતા. છ મજરોએ સિવિલ હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી દમ તોડી દીધો હતો. ટેન્કરના ડ્રાઇવર ક્લીનર સહિત ૨૩ મજૂરોને દાખલ કરાયા હતા.
ઝેરી કેમિકલથી કૂતરાં મરી ગયાં
સચિન જીઆઈડીસીમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં ઝેરી કેમિકલના કારણે છ શ્રમજીવીનાં મોત થવા સાથે સ્થાનિક પશુઓને પણ ગંભીર અસર થવા પામી છે. પ્રાથમિક તપાસમાં ગેસ ગુંગળામણથી બે કૂતરાનાં પણ મોત થયા હતા.
પીઆઈ અને જીપીસીબીના અધિકારી સસ્પેન્ડ
ગૃહમંત્રીએ ઘટનાસ્થળ અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાત લીધી હતી. ગૃહમંત્રીની સ્થળ સમીક્ષા બાદ ઇન્સપેક્ટર જે પી જાડેજા ઉપરાંત પ્રદુષણ માફિયા પ્રેમ સાગર ગુપ્તા સાથે સાંઠગાંઠ ધરાવતા કોન્સ્ટેબલ વિક્રમ ઘાંઘળ જીપીસીબીના રિજિયોનલ અધિકારી પરાગ દવેને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી નાંખ્યા હતા.

