હરિધામ સોખડામાં સંતો હિંસક બન્યા હરિભક્તને ઘેરીને માર મારતા વિવાદ

Tuesday 11th January 2022 13:35 EST
 
 

વડોદરા: શહેર નજીક આવેલ સોખડા ગામ સ્થિત સ્વામિનારાયણ સંપ્રદાયના હરિધામ મંદિરમાં આજે ચાર સંતોએ મળીને એક હરિભક્તને માર મારતા ભારે હોબાળો મચી ગયો હતો. આ ઘટનાના પગલે મંદિરમાં પોલીસ બોલાવાની પણ ફરજ પડી હતી, બીજી તરફ સંતોએ હરિભક્તને માર માર્યો હોવાનો વીડિયો પણ વાયરલ થતાં આસપાસના ગામોના હરિભક્તોના ટોળા મંદિરમાં ઉમટી પડતા ઉતેજનાનો માહોલ જોવા મળતો હતો.
હરિભક્તોમાં ચાલતી ચર્ચા મુજબ આજે કેટલીક મહિલા સત્સંગીઓ હરિધામ મંદિરમાં આવી હતી અને આ મહિલા સત્સંગીઓ સાથે બે સંતો વાત કરી રહ્યા હતા.
સંપ્રદાયમાં મહિલાઓ સાથે સંપર્ક કરવો વર્જ્ય છે એટલે આ અયોગ્ય ઘટનાને અનુજ ચૌહાણ નામનો એક હરિભક્ત યુવક પોતાના મોબાઇલથી રેકોર્ડિંગ કરી રહ્યો હતો.
અનુજ ચૌહાણને રેકોર્ડિંગ કરતા જોઇને હરિસ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી,પ્રભુ પ્રિય સ્વામી અને સ્વામીસ્વરૂપ સ્વામી નામના ૪ સંતોએ અનુજને પકડીને વીડિયો ડીલિટ કરવા માટે દબાણ કર્યુ હતુ પરંતુ અનુજે વીડિયો ડીલિટ કરવા માટે ના પાડતા આ ચાર સંતો ઉશ્કેરાયા હતા અને અનુજને મારતા મારતા મંદિરની અંદર ખેંચી ગયા હતા આ દરમિયાન એક સિક્યોરિટી ગાર્ડ પણ આવી ગયો હતો અને તેણે પણ અનુજને માર માર્યો હતો.

હુમલો કરનાર સંતો પ્રેમસ્વરૂપ સ્વામી જૂથના
યોગી ડિવાઇન સોસાયટી સંચાલિત હરિધામ સોખડાના સંત હરીપ્રસાદ સ્વામીજીના નિધન પછી યોગી ડિવાઇન સોસાયટી અને હરિધામના ગાદીપતિ કોણ તે મામલે વિવાદ ઉભો થયો છે જેમાં ખાસ કરીને પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે મનભેદ હોવાની ચર્ચા હરિભક્તો કરી રહ્યા છે. આ પરિસ્થિતિના કારણે હરિભક્તોમાં પણ બે ભાગ પડી ગયા છે. આ જે ઘટના બની તેમાં મહિલા સત્સંગીઓ સાથે વાત કરતા બે સંતો તથા યુવક પર હૂમલો કરનાર ચાર સંતો પ્રેમસ્વરૂપ સ્વામી જૂથના અને વીડિયો ઉતારનાર યુવક પ્રબોધ સ્વામી જૂથનો હોવાની ચર્ચા છે.

મહિલાઓના વીડિયો ઉતારી રહેલા યુવકને સંતોએ માત્ર રોક્યો હતો
હરિધામ સોખડામાં હરિભક્ત યુવક પર સંતોના હુમલાની ઘટના અંગે મંદિરના વરિષ્ઠ સંત ત્યાગવલ્લભ સ્વામીજીએ કહ્યું હતું કે ‘હરિધામ એક પરિવાર છે અને આ પારિવારિક મામલો છે. ગેરસમજના કારણે આ વિવાદ ઉભો થયો છે. મંદિરમાં દર્શન માટે આવેલા મહિલા સત્સંગીઓનો વીડિયો ઉતારી રહ્યો હતો જો કે તેનો ઇરાદો ખોટો નહતો પરંતુ ગેરસમજ ઉભી થતાં સંતોએ તેને વીડિયો ઉતારતા રોક્યો હતો.આ સમયે અનુજે મોબાઇલ ખેંચવા પ્રયત્ન કરતા એક સંતનુ ઉપવસ્ત્ર ખેંચાઇ ગયું હતું જેથી ઉશ્કેરાટ ફેલાયો હતો.


comments powered by Disqus