અમદાવાદ: ગૂજરાત વિદ્યાપીઠમાં કુલપતિ પસંદ કરવા માટે મંગળવારે ટ્રસ્ટી મંડળની બેઠક મળી હતી. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના નામ પર બહુમતીથી પસંદગી કરવા માટેનો ઠરાવ કરાયો હતો. ઓનલાઈન-ઓફલાઈન મળેલી બેઠકમાં કુલનાયક, અધ્યાપક, કર્મચારી સહિતના 9 સભ્યોએ કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતની પસંદગી માટેની દરખાસ્તનો વિરોધ કર્યો હતો, જ્યારે કુલનાયક ડો રાજેન્દ્ર ખીમાણી સહિતના અધ્યાપક, કર્મચારીઓ મળીને 13 સભ્યે દરખાસ્તની તરફેણમાં ટેકો આપ્યો છે. જ્યારે ટ્રસ્ટી મંડળના બે સભ્યો એકેય બાજુ મત નહીં આપીને તટસ્થ રહ્યા હતા. ટ્રસ્ટી મંડળના સભ્ય તરીકે રાજીનામાની ચીમકી આપીને વિરોધ કરનારા સભ્યોએ કહ્યું કે, યુજીસીની ગ્રાન્ટ ભલે ન મળે, પરંતુ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ગાંધીવાદી જ હોવા જોઈએ. તરફેણ કરનારા 13 સભ્યોએ કહ્યું કે, ઈલાબેન બાદ કુલપતિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જોઈએ જ છે.
મંગળવારે વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળની 5 કલાક સુધી મેરેથોન બેઠક ચાલી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને વિદ્યાપીઠના કુલપતિ બનાવવાની દરખાસ્તની સામે કેટલાક સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો.બધાનો એક જ સૂર હતો કે આપણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને કુલપતિ બનાવવા જોઈએ નહીં,અત્યારે ઉતાવળ કરવી યોગ્ય નથી. નવી નિમણૂક માટે આપણે રાહ જોવી જ રહી. તેમણે દેશમાં કોઈ પણ સ્થાનેથી જાણીતા ગાંધીવાદી નેતા-વ્યક્તિ વિશેષને કુલપતિ તરીકે મૂકવા જોઈએ.
મીટિંગમાં વિરોધ કરનારા એક સભ્યએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની કુલપતિ તરીકે પસંદગીનો ઠરાવ થશે તો સતત ત્રણ વાર રાજીનામા આપવા માટેની ચીમકી ઉચ્ચારી હતી. આ ઉપરાંત બીજા એક સભ્યએ આ જ મીટિંગ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના નામની સામે વાંધો ઉઠાવીને ટ્રસ્ટી મંડળના સભ્ય તરીકે રાજીનામાની ચીમકી આપી દેતા વાતાવરણ ગરમ બન્યુ હતું.
