ભુજઃ ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસ ગુજરાત દ્વારા ગુપ્ત માહિતીના આધરે સંયુક્ત રીતે આસરે 6 ક્રૂ સાથે એક પાકિસ્તાની બોટને ભારતીય જળસીમામાં જખૌ નજીકના દરિયામાં પકડી લેવાઈ છે. આ બોટમાંથી રૂ. 350 કરોડની કિંમતનું 50 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. છ પાકિસ્તાનીને પણ પકડ્યા હતા.
તા. 7 અને 8 ઓક્ટોબર 2022ની રાત્રિ દરમિયાન ઇન્ટેલિજન્સ દ્વારા અપાયેલ બાતમીમના આધારે કોસ્ટગાર્ડે વ્યૂહાત્મક રીતે બે ઝડપી ઇન્ટરસેપ્ટર વર્ગના જહાજો, સી-429 અને સી-454ને ઇન્ટરનેશનલ મેરીટાઈમ બોર્ડર લાઈનની નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. મધ્યરાત્રિ દરમિયાન એક પાકિસ્તાની બોટ ભારતીય જળસીમમાં શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી, જે આએસબીએલની અંદર 5 નોટિકલ માઈલ અને જખૌથી 40 નોટિકલ માઈલ દૂર હતી, જેને પડકારવામાં આવતા પાકિસ્તાની બોટે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બંને જહાજોએ પાકિસ્તાની બોટને અટકાવી હતી અને તેને રોકવાની ફરજ પાડી હતી. બોટમાં સઘન તપાસ હાથ ધરવામાં આવતાં 50 કિલો હેરોઈન મળી આવ્યું હતું.
પાંચ બારદાનની કોથળીઓમાં છુપાયેલા હેરોઈનની બજાર કિંમત રૂ. 350 કરોડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઓપરેશન દરમિયાન કોસ્ટગાર્ડના જહાજોએ રાતના અંધારામાં વિષમ હવામાનમાં ખરબચડા સમુદ્રનો સામનો કર્યો હતો. તમામ એજન્સીઓ દ્વારા વધુ સંયુક્ત તપાસ માટે બોટને જખૌ ખાતે લાવવામાં આવી હતી. છેલ્લા એક વર્ષમાં ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસ. ગુજરાત દ્વારા આ પ્રકારનું છઠ્ઠું સંયુક્ત ઓપરેશન છે અને એક મહિના કરતાં પણ ઓછા સમયમાં આવું બીજું ઓપરેશન છે, જ્યારે તા. 14 સપ્ટેમ્બર, 2022ના પાકિસ્તાની બોટમાંથી 40 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
ડ્રગ્સ સાથે પકડાયેલા પાકિસ્તાની ઇસમો
અલીમામદ બચલ મલ્લા (ઉ.વ. 35, રહે. કરાંચી), રાયબ અબ્દુલ્લા મલ્લા (ઉ.વ. ૨૨), શેરમામદ ભસરિયો બડ (ઉ. વ. ૪૦), મમતાજ હારૂન મલ્લા (ઉ.વ. 25) મોતિયો ઇદ્રીશ મલ્લા (ઉ. વ. 50) ઇબ્રાહીમ યુસુફ સમેજા (ઉ. વ. 45)નો સમાવેશ થાય છે.

