વિમાનવાહક જહાજના ગિયર બોક્સ તૈયાર કરી એલીકોને સર્જી ક્રાંતિ

Tuesday 11th October 2022 17:01 EDT
 
 

 આણંદ તા.5: ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ આઇએનએસ વિક્રાંતને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં દેશને સમર્પિત કરવામાં આવ્યું હતું, જે વલ્લભ વિદ્યાનગરમાં આવેલી એલીકોન એન્જિનિયરીંગ કંપની દ્વારા તૈયાર કરાયેલા અત્યંત જટિલ અને અદ્યતન ગિયર બોક્સ પર ચાલે છે. ગિયર બોક્સના ઉત્પાદનમાં એશિયામાં અગ્રેસર એલિકોન હવે વિશ્વકક્ષાએ આગળ વધવા માટેના કદમ ભર્યા છે. દશેરાના પર્વે એલિકોન એન્જિનિયરીંગ કંપનીની સ્થાપનાના ૭૦માં વર્ષની ઉજવણી સાથે એલિકોન ડેની ઉજવણી કરવામાં આવી હતી. એલિકોન ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પ્રયાસ્વીનભાઇ પટેલે જણાવ્યું કે, ભારતમાં વિકાસ માટેની ઘણી તકો રહેલી છે, એલિકોન કંપની દ્વારા નવા ઉત્પાદનોમાં કન્સ્ટ્રકશનમાં ઉપયોગમાં લેવાતાં પાઇલીંગ ગિયરનું મેન્યુફેક્ચરીંગ શરૂ કર્યુ છે જે ભારતમાં પ્રથમવાર થઇ રહ્યું છે. આ ઉપરાંત ભારતમાં પ્રથમવખત અંડરગ્રાઉન્ડ માઇનીંગ ઇક્વિપમેન્ટ ડેવલોપ કરવામાં આવ્યા છે, જે વિશ્વમાં બેથી ત્રણ જ કંપની દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે. આઇએનએસ વિક્રાંતમાં એલિકોન કંપની દ્વારા તૈયાર કરાયેલા ગિયર બોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આ પ્રકારના ગિયર બોક્સ પણ વિશ્વની ત્રણથી ચાર કંપની જ બનાવે છે. હવે એમાં એલિકોન કંપનીનું નામ પણ જોડાઇ ગયું છે. ભારતીય કંપની દ્વારા આ પ્રકારના ગિયર બોક્સ તૈયાર કરવા અમારા માટે ગૌરવની વાત છે. વિક્રાંતમાં ૮૮ મેગાવોટનું ગિયરબોક્સ છે જે એક ગામ કે એક શહેરને પાવર ટ્રાન્સમીટ પુરું પાડી શકે તેટલી ક્ષમતા ધરાવે છે.

એમટીસી એન્જિનિયરીંગ પ્રા.લિ અને મધુભાન રિસોર્ટ એન્ડ સ્પાના સીઇઓ તરુણા પટેલે જણાવ્યું કે એલિકોન કંપનીની ટીમ અશક્યને પણ શક્ય કરી શકે છે. આ પ્રસંગે એલિકોન ગ્રુપ ઓફ કંપની પરિવારના આયુષ શાહ, આકાંક્ષા પટેલ, ઐશ્વર્યા પટેલ, પ્રદિપ પટેલ, તૃપ્તિ પટેલ, ચાર્લ્સ પટેલ, કમલેશ શાહ, એમ.એમ.નંદા, પ્રવિણ ભાસીન, રવિન શાહ, મનોહર ગુરંગ, ઇન્ડિયન નેવીમાંથી ક્વોલિટી એસ્યુરન્સ ઓફિસર કેપ્ટન દિપક બહુગુણા, મેનેજમેન્ટ ગુરુ નારાયણદાસજી, અમૂલ-ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર ડો.આર.એસ.સોઢી, કલેક્ટર મનોજ દક્ષિણી, અભિનેત્રી અમિષા પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ક્વોલિટી એસ્યુરન્સ ઓફિસર કેપ્ટન દિપક બહુગુણાએ જણાવ્યું કે, ગુજરાત અને દમણમાં ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તૈયાર કરવામાં આવતાં નેવલ ઇક્વિપમેન્ટનું નિરીક્ષણ કરવાની જવાબદારી મળેલી છે. આઇએનએસ વિક્રાંત સ્વદેશી એરક્રાફ્ટ માટે પાયાનો પત્થર છે જેમાં એલિકોન કંપનીનું યોગદાન સરાહનીય છે. એલિકોન કંપની દ્વારા તૈયાર કરાયેલા ગિયર બોક્સ સંપૂર્ણ સ્વદેશી છે. નવા જહાજો માટે પ્રોજેક્ટ ૧૭ આલ્ફા હેઠળ એલિકોનને અન્ય ગિયર બોક્સનો ઓર્ડર અપાયેલો છે. અત્યારસુધી વિદેશની કંપનીઓ પર નિર્ભર રહેવું પડતું હતું તેવા ઉત્પાદનો હવે આત્મનિર્ભર ભારત હેઠળ ભારતીય કંપનીઓ દ્વારા ભારતમાં જ તૈયાર કરવાની તક સાંપડી રહી છે.


comments powered by Disqus