કપરાડાના ઘોટવણ ગામે મહિલાઓ પાણી લેવા કૂવામાં ઉતરવા મજબૂર

Tuesday 12th April 2022 16:45 EDT
 
 

વલસાડ: ગુજરાત સરકારે કપરાડા અને ધરમપુરના ૨૮ થી વધુ ગામોમાં પીવાના પાણી ની સમસ્યા દૂર થાય એ માટે ૫૮૬ કરોડની અસ્ટોલ ગ્રુપ પાણી પુરવઠા યોજના અમલ માં મૂકી છે પરંતુ આ યોજના હજુ પૂર્ણ થઈ નથી. તાલુકામાં આજે પણ એવા કેટલાક ગામો છે જ્યાં પીવાના પાણી માટે મહિલાઓ વહેલી પરોઢિયે ઉઠી લાંબી લાઈનોમાં બેસી રહે છે તો કપરાડા તાલુકામાં આવેલા ઘોટવણ ગામમાં જીવના જોખમે મહિલાઓ કુવામાં ઉતરીને પીવાનું પાણી ભરી રહી છે એ પણ કલાકોના સમય તપ કર્યા બાદ.
સુલીયા ગૃપ ગ્રામ પંચાયતમાં આવતા કપરાડા તાલુકાના ઘોટવણ ગામે મુલગામ ફળીયામાં એપ્રિલ માસનો પ્રારંભ થતા જ પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. અહીં આવેલ એક માત્ર હેન્ડ પમ્પ અને એક કુવો બંનેના પાણીના સ્તર સુકાઈ જાય છે માટે નાનકડા ખોબા જેટલા ખાડામાં પથ્થર માથી ટીપું ટીપું આવતું પાણી એકત્ર થયા બાદ એક નાનકડી વાડકી વડે એક એક વાડકીથી એક બેડું પાણી એક મહિલા ભરી શકે છે.
એક બેડું ભર્યા બાદ ખોબા જેટલા ખાડા માં પાણી ખૂટી જતા ફરી પાણી એમાં ભરાય એની રાહ જોવી પડે છે અને આમ કરતા કરતા આખા ફળીયામાં બે હજારની વસ્તીમાં અનેક મહિલાઓ પાણી ભરવા વહેલી પરોઢિયે ૨ વાગ્યાથી ઉઠીને લાઈનમાં લાગે છે. એટલું જ નહીં હેન્ડ પમ્પની હાલત પણ એવી જ છે એક બેડું ભરાયા બાદ હેન્ડ પમ્પમાં પણ પાણી પૂર્ણ થઈ જાય છે કલાકો બેઠા બાદ પાણી ફરી આવતા ધીરે ધીરે મહિલાઓ પાણી ભરે છે. ઘોટવણ ગામે મુલગામ ફળીયામાં મહિલાઓને પાણી ભરવા માટે જીવના જોખમે કુવામાં ઉતરવાની ફરજ પડે છે. અને જો તે કુવામા ન ઉતરે તો પાણી મળી શકે એમ નથી કૂવો સાવ સૂકો થઈ જતા એમ પણ અંદર ના ભાગે આવેલ પથ્થરની નાની ખોબા જેવી જગ્યામાં પાણી એકત્ર થાય છે જે બાદ જ પાણી ભરી શકાય છે. જો પાણી ભરવા ઉતરેલી મહિલા સાથે કોઈ ઘટના બને તો એ માટે જવાબદાર કોણ? શહેરી વિસ્તારમાં રહેતા લોકો જે બેફામ પાણીનો બગાડ કરે છે એવા લોકોએ અહીં આવીને એક ટીપું પાણીની કિંમત શું છે એ જાણવું અને સમજવું જોઈએ.


comments powered by Disqus