કોર્ટ કેસમાં સમાધાન અંગે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું, ‘સમય વેડફવો, એ પૈસા વેડફવા બરાબર છે, ગુજરાતીઓ તે સારી રીતે જાણે છે’

Tuesday 12th April 2022 16:39 EDT
 
 

વડોદરાઃ નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બે દિવસની જ્યુડિશિયલ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી રમણાએ મધ્યસ્થીકરણનું મહત્વ સમજાવતા ગુજરાતના વેપારીઓનું ઉદાહરણ આપ્યું. સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, ગુજરાતીઓ ધંધા-વેપાર માટે જાણીતા છે, વેપારીઓ સમયનું મહત્વ ખૂબ સારી રીતે જાણે છે. જેથી સમયની બચત સાથે મધ્યસ્થીકરણના માધ્યમથી બાબતોનો નિકાલ લાવી શકાય છે.
દેશની સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ એન.વી રમણાએ જ્યુડિશિયલ સિસ્ટમમાં મધ્યસ્થીકરણનું મહત્વ સમજાવતા કહ્યું કે, વેપારીઓ સમયનું મહત્વ ખૂબ સારી રીતે જાણે છે. સમય બરબાદ કરવો, એ પૈસાનો વ્યય થયો સમાન છે'. એટલે કે ન્યાયપાલિકમાં સમય કાઢવા કરતા સમાધાનના ફોર્મ્યુલાથી બાબતોનો નિકાલ લાવવો તે વધુ હિતાવહ છે.
તેમને પોતાના વક્તવ્યમાં મહાભારતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રનું યુદ્ધ થતાં પહેલા મધ્યસ્થી કરણથી યુદ્ધ રોકવાનો પ્રયાસ કર્યો. જો તે સફળ થયું હોત તો, યુદ્ધમાં થયેલા વિનાશકતાને રોકી શકાયો હોત, અનેક જિંદગી બચી શકી હોત અને ત્યાં સમૃદ્ધિ લાવી શકાત! રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ પોતાના સંબોધનમાં કેટલીક મહત્વપૂર્ણ વાતોનો ઉલ્લેખ કર્યો. જેમાં તેમણે કહ્યું કે, દેશમાં મધ્યસ્થતાની વિભાવનાને હજુ વ્યાપક સ્વીકૃતિ મળી નથી. કેટલાક સ્થળોએ પૂરતા પ્રશિક્ષિત મધ્યસ્થીઓ ઉપલબ્ધ નથી, ઉપરાંત ઘણા મધ્યસ્થી કેન્દ્રો પર માળખાકીય સુવિધાઓને અપગ્રેડ કરવાની જરૂરિયાત હોવાનું કહ્યું.


comments powered by Disqus