જામનગર: ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં ગોરખનાથ મંદિરની સુરક્ષામાં તૈનાત પોલીસ જવાનો પર હથિયારોથી હુમલો કરી નારેબાજી કરનાર અને મંદિરમાં ઘૂસી જનાર શખ્સનું જામનગર કનેકશન ખૂલ્યું છે જેમાં થોડા સમય માટે તેના પિતા ખાનગી કંપનીમાં લો-ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે મૂર્તઝા પણ ખાનગી કંપનીમાં જોડાયો હતો, પરંતુ તેને અનફીટ જાહેર કરાયો હતો, જે તે સમયે મૂર્તઝાની ટૂંકી સારવાર જામનગરમાં થઈ હોવાનું જાણવા મળે છે.
ગોરખનાથ મંદિરમાં ઘૂસી પોલીસ પર હુમલો કરી નારેબાજી કરી આતંક મચાવનાર અહેમદ મૂર્તઝા મુનીર અબ્બાસીનું જામનગર કનેકશન ખુલ્યું છે, જેમાં પિતા મુનીર અબ્બાસી 4 વર્ષ જેટલો સમયગાળો જે તે સમયે જામનગરમાં એસ્સાર કંપનીમાં લો-ઓફિસર તરીકે ઉચ્ચ હોદ્દા પર કાર્યરત હતા. જ્યારે મૂર્તઝાને ત્યારે ખાનગી કંપનીમાં નોકરી મળી ગઈ હતી, પરંતુ તે નોકરી પર જતો ન હતો અને ઘરે રૂમમાં બેસી રહેતો હતો. જેથી રાજીનામુ લઈ લેવાયું હતું. બીજી નોકરીમાં તેને અનફીટ જાહેર કરાયો હતો.
આઇબીમાં ધમધમાટ, તપાસના ચક્રો ગતિમાન કરાયા
ગોરખપુર મંદિરના હુમલાખોરનું જામનગરનું કનેક્શન ખૂલતા સ્થાનિક પોલીસની સાથોસાથ આઇબી સહિતની સરકારી એજન્સીઓ પણ ચોંકી હતી અને સંબંધિત કંપની સહિતના સ્થળોએ તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.

