જૂનાગઢઃ જેની દિવસોથી તૈયારી થઇ રહી હતી એ ઐતિહાસિક તૈયારીઓ સાથે યોજાયેલી રામનવમીની શોભાયાત્રાને નિહાળવા 3 લાખથી વધુ જૂનાગઢવાસીઓ શહેરના માર્ગો પર નિકળી પડ્યા હતા. ઉપરકોટ પાસે રામ મંદિરેથી નિકળેલી શોભાયાત્રાનો પ્રારંભ કરાવવા હાથીની અંબાડી પર બિરાજેલા રામલલ્લાની ખાસ બનાવાયેલા સ્ટેન્ડ પર ચઢી મોટી હવેલીના પિયુષબાવાએ આરતી ઉતારી હતી.
આ તકે ગીરનાર પર્વત પર ગુરૂ ગોરખનાથ શિખરના મહંત પીરયોગી સોમનાથજી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે મનપાના પદાધિકારીઓ, રાજકીય આગેવાનો, વિહિપ-બજરંગદળના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. બેન્ડ, ઢોલ-શરણાઇના સુરે અને જયશ્રીરામના ઘોષ સાથે શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા દિવસોથી થઇ રહેલું આયોજન દિપી ઉઠ્યું હતું.
શોભાયાત્રામાં સૌથી મોટું આકર્ષણ હાથીની અંબાડી પર બિરાજમાન રામલલ્લા અને સૌથી આગળ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રતિકૃતિ રહી હતી. તેમાંયે રામ જન્મભૂમિની માટી અને સરયુ નદીના પવિત્ર જળનાં દર્શન માટે લોકો ચંપલ કાઢી રથની નજીક આવી માથું નમાવતા હતા. તો રથ સાથે સેલ્ફી લેવા યુવાનોની સંખ્યા પણ બહુ મોટી હતી. રથયાત્રામાં જોડાયેલા 52 થી વધુ ફ્લોટ્સને જનતા ચોક ખાતે ઉભા કરાયેલા સ્ટેજ ખાતેથી નિર્ણાયકોએ માર્કસ આપ્યા હતા. અને મોડી સાંજે શોભાયાત્રા સંપન્ન થઈ. બાદમાં મયારામ આશ્રમ ખાતે યોજાયેલી ધર્મસભામાં વિજેતા યુવક મંડળોને ઇનામ અપાયા હતા. આખી શોભાયાત્રાનું ભાવિકો વિવિધ સોશ્યલ મીડિયામાં જીવંત પ્રસારણ પણ કરતા જોવા મળ્યા હતા.
100 કિલોથી વધુ પ્રસાદનું વિતરણ
રામનવમીએ પંજરી પ્રસાદનું ખાસ મહત્વ છે. આથી હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 100 કિલોથી વધુ પંજરી પ્રસાદનું વિતરણ કરાયું હતું.

