અમદાવાદ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટને એક સાથે બે મુસીબતનો સામનો કરવો પડ્યો હોય તેવી વિચિત્ર ઘટના બની હતી. ટેકનિકલ ખામીથી વિમાન રન-વે પરથી રિટર્ન આવ્યા બાદ રિપેર થઈને ટેકઓફ થાય તે પહેલાં જ રન-વે બંધ થઈ ગયો હતો.
અમદાવાદથી નૈરોબીની ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પરથી સવારે 8-45 કલાકે તેના નિર્ધારિત સમયે ટેક ઓફ માટે રન-વે પર ગઈ હતી. કેપ્ટન વિમાનને ટેક ઓફ કરે તે પહેલાં જ વ્હિલમાં કંઈક ખામી હોવાની જાણ થતાં તેને સલામતીના ભાગરૂપે ટેકઓફ રિજેક્ટ કરી એટીસી કંટ્રોલને જાણ કરી દીધી હતી. ફ્લાઈટને રન-વે પરથી રિટર્ન કરવાનો નિર્ણય લીધો હતો. એરક્રાફ્ટને સલામત રીતે પાર્કિંગમાં લઈ જવાયું હતું. જ્યાં ફ્લાઈટના ટેક્નિશિયનો દ્વારા વ્હિલ ચેક કરાયું હતું ત્યાં સુધી ફ્લાઈટમાંથી મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા નહોતા. આમ ટેકનિશ્યનો દ્વારા વિમાન રિપેર થઈ ગયું પણ રન-વે ક્લોઝરનો સમય થઈ ગયો હોવાથી તમામ મુસાફરોને ટર્મિનલમાં લાવી હોટેલ સ્ટે આપવામાં આવ્યો હતો.
