દેશમાં બીજો અને રાજ્યમાં XEનો પ્રથમ કેસ વડોદરામાં નોંધાયો

Tuesday 12th April 2022 16:34 EDT
 
 

વડોદરા: સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાના નવા વેરિયન્ટ એક પછી એક આવી રહ્યા છે. ડેલ્ટા, ઓમિક્રોન પછી હવે એક્સઈ નામના વેરિયન્ટના કેસ વિશ્વ સ્તરે નોંધાઈ રહ્યા છે. મુંબઈ બાદ હવે દેશમાં એક્સઈ વેરિયન્ટનો બીજો કેસ વડોદરામાં નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું છે. જોકે, પોઝિટિવ દર્દી મૂળ મુંબઈનો છે અને અહીંયા સંબંધીને મળવા આવ્યા હતા. એક્સઈનો રિપોર્ટ આવે તે પહેલાં જ દર્દી પરત મુંબઈ જતો રહ્યો છે. દર્દીના સંપર્કમાં આવેલા વડોદરાના એકપણ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ નહીં આવતાં તંત્રે હાશકારો અનુભવ્યો છે.
થોડા સમય પહેલાં મુંબઈના 67 વર્ષના વૃદ્ધ પોતાના પત્ની સાથે વડોદરામાં રહેતા સંબંધીને મળવા આવ્યા હતા અને આર.સી. દત્ત રોડની હોટેલમાં રોકાયા હતા. તે દરમિયાન તેઓને તાવ આવતા કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવતા નવા વેરિયેન્ટ એક્સઈનો રિપોર્ટ કઢાવવા માટે સેમ્પલ ગાંધીનગર મોકલી આપવામાં આવ્યા હતા. રિપોર્ટમાં તેમણે ગોત્રી વિસ્તારમાં રહેતાં સંબંધીના ઘરનું સરનામું લખાવ્યું હતું. ગત 12 માર્ચે તેમના સેમ્પલ એક્સઈ માટે મોકલી આપવામાં આવ્યા હતા. દરમિયાન મોડીરાત્રે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
રિપોર્ટ આવે તે પહેલાં જ દંપતી મુંબઈ પરત જતું રહ્યું હતું. તેમની પત્નીનો રિપોર્ટ પર સાવચેતીના ભાગરૂપે કઢાવવામાં આવ્યો હતો. જે રિપોર્ટ નોર્મલ આવ્યો છે. મુંબઈમાં દંપતીના વિસ્તારના સાંતાક્રુઝ આરોગ્ય કેન્દ્રને જાણ કરવાની તજવીજ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે. દંપતી વડોદરામાં કોઈને મળ્યા ન હોવા છતાં હોટેલના સ્ટાફ અને અન્ય લોકોના હેલ્થની ચકાસણી કરાઈ છે. જોકે, કોઈને પણ કોરોનાના લક્ષણો નથી. ઉલ્લેખનીય છે કે મુંબઈના દર્દીની તબિયત હાલ એકદમ સારી છે.
GNLUમાં કોરોના કેસનો રાફડો ફાટ્યોઃ પોઝિટિવ આંક 64ને પાર
ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટી ખાતે કોરોનાના 64 કેસ નોંધાયા છે. છેલ્લા ત્રણ દિવસથી કોર્પોરેશનની આરોગ્યની ટીમે લો યુનિવર્સિટી ખાતે ધામા નાંખ્યા છે. બે દિવસમાં 250 જેટલા વિદ્યાર્થીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. આરોગ્ય તંત્રએ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કર્યો છે. કોઈપણ બહારની વ્યક્તિને અહીં આવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. એટલુ જ નહિ યુનિવર્સિટીના વહીવટી તંત્રને પણ વિદ્યાર્થીઓ ક્લોઝ કોન્ટેક્ટમાં ન આવે તે બાબતનું ધ્યાન રાખવા સૂચના આપી છે. યુનિવર્સિટીમાં ઓફલાઈન શિક્ષણ પણ સાત દિવસ માટે બંધ રાખવા જણાવાયું છે.
જેએનએલયુમાં કોરોના કેસ આવતાં આરોગ્યતંત્રમાં દોડધામ મચી હતી.


comments powered by Disqus