ગાંધીનગર: પંજાબમાં વાઘા બોર્ડરની માફક બનાસકાંઠાના સૂઈગામ તાલુકાના છેલ્લા પોઇન્ટ નડાબેટ જ્યાંથી પાકિસ્તાન માંડ 25 કિલોમીટર દુર છે ત્યાં બીએસએફ દ્વારા રોજ સૂર્યાસ્ત ટાણે પરેડ-બીટિંગ રિટ્રીટ સેરેમનીનો ‘સીમાદર્શન’ પ્રોજે્કટ 10 એુપ્રિલના કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વિધિવત ખુલ્લો મૂક્યો હતો.
બીટિંગ રિટ્રીટ સેરેમની બાદ સહેલાણીઓને 25 કિલોમીટર દૂર પાકિસ્તાન સરહદ સુધી બસ દ્વારા લઈ જવાની વ્યવસ્થા પણ શરૂ કરાઈ છે. જ્યાં સેનિટેશન સહિત બેસવાની વ્યવસ્થા સર્જાઈ છે. જ્યારે નડાબેટમાં 5000 વ્યક્તિના બેસવાની વ્યવસ્થા સાથેનું ઓડિરોયિમ, પરેડ ગ્રાઉન્ડ, એક્ઝિબિશન-મ્યુઝિયમ સેન્ટર, પાર્કિંગ તથા સેનિટેશન, સાઉન્ડ-લાઇટ સિસ્ટમ, ડેકોરિટેવ લાઇટિંગ, સોવેનિયર શોપ, 22 દુકાનો-રેસ્ટોરન્ટ્સ રિટેઇનિંગ વોલ, બીએસફના સદગત જવાનોના સ્મરણાર્થે અજય પ્રહરી સ્તંભ, એડવેન્ચર, સ્પોટ્સના પ્રકલ્પો તેમજ રસ્તા-લાઇટ-પાણીની સુવિધાઓ ઊભી કરાઈ છે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ ટીસીજીએલ દ્વારા રૂ. 125 કરોડ ખર્ચાયા છે.
ગૃહ-સહકાર મત્રીએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદીની કલ્પનાથી આ પ્રોજેક્ટ નિર્માણ થયો છે. જેને કારણે આ સ્પોટ સહિત બનાસકાંઠા જિલ્લો સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બનશે તથા આવનારા 10 વર્ષમાં આ વિસ્તારમાં લાખો લોકોને રોજગારીની નવી તકો મળશે. સહેલાણીઓના રોકાણ માટે નજીકમાં જલોયા ગામે તથા સૂઈગામે વ્યવસ્થા થઈ શકે તેમ છે.
રવિવારે સવારે ઉદ્ઘાટન સમારોહ વખતે બીએસએફ જવાનો દ્વારા પરેડ બીટિંગ રિટ્રીટ સેરેમની યોજવામાં આવી હતી. જેમાં જાણીતા ગાયક કૈલાસ ખેર દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરાયાં હતાં. આ પ્રસંગે પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી, પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલા, ટૂરિઝમ સચિવ હરિત શુક્લા, ભાજપના સ્થાનિક સાંસદો-ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજકોમાસોલના નવા સહકાર ભવનનું ઉદ્ઘાટન
કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે ગુજકોમાસોલના નવા ‘શ્રી ત્રિભુવનદાસ પટેલ સહકાર ભવન’નું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું હતું કે, સહકાર ક્ષેત્રમાં કમ્પ્યૂટરાઇઝેશન તથા પ્રોફેશનલ લોકોની ભરતી કરવી ખૂબ જ જરૂરી છે અને કોઈપણ સંસ્થાને સ્પર્ધામાં ટકી રહેવા માટે સમયોચિત ફેરફાર કરવો જરૂરી છે. ગુજકોમાસોલના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ સંસ્થાની પ્રગતિનો ચિતાર આપ્યો હતો. આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજી પટેલ પણ હાજર રહ્યા હતા.

