• દિલ્હીમાં છોટુ વસાવાએ કેજરીવાલ સાથે મુલાકાત કરીઃ ભારતીય ટ્રાયબલ પાર્ટી આપ સાથે રાજકીય નાતો જોડે તેવા એંધાણ મળી રહ્યા છે. બીટીપીના વડા છોટુ વસાવા દિલ્હી પહોંચ્યા છે. તેઓએ આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. આ જોતા આગામી વિધાનસભાની ચૂંટણીમાં બીટીપી અને આપ વચ્ચે ગઠબંધન થાય તેવી સંભાવના છે. થોડાક દિવસો અગાઉ જ બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવાએ પણ કેજરીવાલ સાથે બેઠક યોજીને ચૂંટણીલક્ષી ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે બીટીપીના પૂર્વ ઉપપ્રમુખ રાજેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે. હવે નર્મદા તાપી પાર લીંક પ્રોજેક્ટને લઈને કોંગ્રેસ આદિવાસીઓના મુદ્દાને વેગ આપી રહી છે. રાજ્યસભાની ચૂંટણીમાં મત ન આપતાં
બીટીપી અને કોંગ્રેસ વચ્ચે રાજકીય મતભેદ પ્રવર્તી રહ્યા છે.
• ગુજરાતમાં ગરમીએ 10 વર્ષનો રેકોર્ડ તોડયોઃ
ગુજરાતમાં શુક્રવારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં એપ્રિલ માસની ગરમીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો છે. ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવામાન ખાતાએ પ્રસિદ્ધ કરેલી વિગતો પ્રમાણે, કંડલા એરપોર્ટ પર સતત બીજા દિવસે તાપમાન 45 ડિગ્રીથી વધુ અને અમદાવાદ સહિત રાજ્યના 5 શહેરોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીને ઔપાર નોધાયું હતું. બીજી તરફ હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ હજુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હિટવેવની શક્યતાઓ છે.
• વડાપ્રધાન મોદી-વિશ્વ આરોગ્ય સંસ્થાના ડીજી જામનગર અને ગાંધીનગરના ફંક્શનોમાં સાથે રહેશેઃ વડાપ્રધાન મોદી 19-20 એપ્રિલ દરમિયાન ગુજરાત આવી રહ્યાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેક્ટર જનરલ ડો. ટેડરોસ અઘાનોમ ઘેબ્રેયસસની ગુજરાત મુલાકાતના સંદર્ભમાં વડાપ્રધાન અહીં આવવાના છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેક્ટર જનરલ સાથે વડાપ્રધાનના બે ફંક્શન જામનગર અને ગાંધીનગરમાં યોજાવાના છે. વડાપ્રધાનની આ મુલાકાતના પરિપ્રેક્ષ્યમાં બનાસકાંઠા અને દાહોદ એમ બે સ્થળોના કાર્યક્રમો પણ ગોઠવાઈ ચૂક્યા છે. વડાપ્રધાન 19મીની રાત્રે મોટાભાગે પાટનગરના રાજભવનમાં ઉતારો કરશે, જ્યારે ડબ્લ્યૂએચઓના ડીજી પાટનગરની પંચતારક હોટેલમાં રોકાશે.
• વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 અને 21, 22 એપ્રિલે ગુજરાતની મુલાકાતે આવશેઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મી એપ્રિલે જામનગર આવી રહ્યા છે. જામનગરમાં તેઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીસીનની ઈમારતનું ભૂમિપૂજન કરશે. કેન્દ્ર સરકાર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના સહયોગથી આ સેન્ટર ચાલશે.
આ કાર્યક્રમ પછી વડાપ્રધાન 21મી એપ્રિલે રાજ્યના દાહોદ જિલ્લામાં જાહેર રેલીને સંબોધન કરવાના છે. તેમની આ ચૂંટણીલક્ષી રેલી ગણવામાં આવે છે. આ રેલી આદિવાસી વિસ્તારમાં યોજાઈ રહી છે. 22મીએ તેઓ બનાસકાંઠામાં પશુપાલક મહિલાઓના સંમેલનની રેલીને સંબોધન કરશે. મોદીના આ બંને કાર્યક્રમ પહેલાં તેઓ પાટીદારના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપવાના છે.
• ‘માય ટોકન’ એપ્લિકેશન અંતે બંધ રોકાણકારોના રૂ. 300 કરોડ ડૂબ્યાઃ મોબાઈલ ફોનથી માય ટોકન નામની એપ આખરે બંધ કરી દેવામાં આવી છે. અમદાવાદ સહિત ગુજરાતના 5000થી વધુ રોકાણકારોની 300 કરોડથી વધુ રકમ ડૂબ્યાની ચર્ચા શરૂ થઈ છે. પાંચ મહિલના પહેલાં મોબાઈલ એપ્લિકેશનથી રોકાણ મેળવીને ગણતરીને દિવસોમાં જ 40 ટકાથી 330 ટકા જેવું ધરખમ રોકાણ આપવાની લાલચ આપીને કરોડો રૂપિયા સેરવી લેવાય છે. દોઢ મહિના પહેલાં વિદેશથી સંચાલિત કંપનીએ સિસ્ટમ અપગ્રેડેશનના બહાને વળતર ચૂકવવાનું બંધ કરી વાયદા આપ્યા હતા. વારંવાર વાયદા આપ્યા પછી પણ માર્ચ મહીનામાં નાણાં ચૂકવાયાં નહોતાં. તા.1 એપ્રિલથી મોબાઈલ પર માય ટોકન દ્વારા ચલાવાતી એપ્લિકેશન બ્લોક કરી દેવાતા હજારો રોકાણકારો રાતા પાણીએ રડી રહ્યાં છે.
