સામાજિક અને સાંસ્કૃતિક એકતામાં વધારો કરે છે માધવપુરનો મેળોઃ રાષ્ટ્રપતિ

Tuesday 12th April 2022 16:49 EDT
 
 

પોરબંદર, માધવપર: પોરબંદરના માધવપુર ઘેડ ખાતે કૃષ્ણ-વિવાહ અને લોકમેળાનો પ્રારંભ થયો હતો. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત મહાનુભાવોના હસ્તે લોકમેળો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો ખૂલ્લા મૂકવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિએ પોતાના પ્રવચનનો ગુજરાતી ભાષામાં ‘જય શ્રી કૃષ્ણ કેમ છો મજા માં છો’ કહી ને પ્રારંભ કર્યો હતો તેઓએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ મેળાની એક વિશેષ ઓળખ છે. આ આયોજન માટે કેન્દ્ર અને સરકારના મંત્રીઓ અને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે મેળાના કારણે સામાજિક અને સાંસ્કૃતિક એકતામાં વધારો થાય છે આ મેળો પૂર્વોત્તર અને પશ્ચિમ ક્ષેત્રને અભિન્ન સબંધમાં જોડે છે. લોકમેળાના પ્રારંભ બાદ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે માધવપુરનો મેળો સૌરાષ્ટ્રમાં યોજાતા મેળાઓ માં શિરમોર તો છે જ પરંતુ આ મેળો બે હૈયા ને જોડે છે ભગવાનના લગ્નના પર્વને જીવંત રાખનારું પર્વ છે. આ લોકમેળાના માધ્યમથી બે મહાન સંસ્કૃતિઓ નો સંગમ ઉજાગર કરવામાં આવી રહ્યો છે મેળામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંઘ તમાંગ, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા તથા કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના રાજ્ય મંત્રી પ્રતિમા ભૌમિક તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જામનગર એરફોર્સ ખાતે ટૂંકુ રોકાણ કર્યુ હતું. જ્યાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યકક્ષા મંત્રી આર.સી. મકવાણા, કોમોડોર મારવાહા સહિતે રાષ્ટ્રપતિને આવકારી સ્વાગત અને અભિવાન કર્યુ હતું. બાદ તેઓ દ્વારકા જવા રવના થઈ ગયા હતાં. રાષ્ટ્રપતિએ દ્વારકાધીશના દર્શન કરી ભગવાનની ચરણ પાદુકાનું પૂજન કરી ધન્યતા અનુભવી હતી.


comments powered by Disqus