વડોદરા: શહેરના અલકાપુરી વિસ્તારમાં હરીકૃપા ડુપ્લેક્સમાં રહેતા જયંતકુમાર મહાદેવપ્રસાદ દવેએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ૧૯૭૭થી સોખડામાં હરી આશ્રમ અને યોગી ડિવાઇન સોસાયટીના ટ્રસ્ટી તેમજ સેક્રેટરી તરીકે કામ કરું છું, મંદિરના તમામ ગેટ પર હાલ સિક્યૂરિટી ગાર્ડ મૂકાયા છે અને તમામને પ્રેમસ્વરૂપસ્વામી તરફથી સૂચના અપાઇ છે કે મંદિરની બહારથી કોઇ વસ્તુ લઇને કોઇ વ્યક્તિ આવે તો ચેક કરવી
તા.૧ એપ્રિલે બપોરે સિક્યુરિટી ગાર્ડ રાજેશ રામાનંદ દુબે અને મિથિલેશ સચદેવ મૌર્ય ગેટ પર હાજર હતા ત્યારે ભરૂચના નંદેલાવ બ્રિજ પાસે મંગલદીપ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઇ પ્રજાપતિ તેમજ અન્ય ચાર-પાંચ માણસો મંદિરે આવ્યા હતા અને પોતાની વાડીના તરબૂચ ઠાકોરજીને તેમજ સ્વામીજીને જાતે જ ધરાવવા માટે લઇને આવ્યા છે તેમ કહેતા મંદિરમાં અંદર જતા હતાં, તે વખતે સિક્યૂરિટી તેમની પાછળ દોડ્યો હતો અને એકાઉન્ટ ઓફિસ પાસે જીતેન્દ્રભાઇને રોક્યા હતાં.
આ વખતે જીતેન્દ્રભાઇ ઉશ્કેરાઇ ગયા હતા અને સિક્યૂરિટી ગાર્ડ સાથે ઊંચા અવાજે બોલાચાલી બાદગાળો દઈને ધમકી આપી કે કુત્તે કી ઓલાદ હે, સબ સાલે, મેરે કો કિસી પ્રેમ ઔર ત્યાગ કી નહીં સૂનના હૈ, જાહેરમેં ઝટકા મારકે કાટ ડાલેંગે, દો બાર જેલ મેં જા ચૂકા હું, તીસરી બાર જાઉંગા, કોઇ દિક્કત નહી હે. ધમકીભર્યા શબ્દો ઉચ્ચારી જીતેન્દ્રભાઇ બળજબરીથી તરબૂચ ધરાવીને જતા રહ્યા હતાં.
જીતેન્દ્રભાઇએ આપેલી ધમકીનો વીડિયો કોઇ શખ્સે ઉતાર્યો હતો.
