આ રાષ્ટ્રપતિ પદ માટેની નહીં બે વિચારધારાની લડાઇ છે

Wednesday 13th July 2022 08:57 EDT
 
 

અમદાવાદ: ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલાં રાષ્ટ્રપતિપદના વિપક્ષના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી યશવંતસિંહાએ એવો મત વ્યક્ત કર્યો હતો કે રાષ્ટ્રપતિ પદે કોણ બિરાજશે તે મહત્ત્વનું નથી પણ સવાલ એ છે કે તે વ્યક્તિ રાષ્ટ્રપતિ પદની ગરીમા જાળવશે. બંધારણ મુજબ વર્તશે. જો રબર સ્ટેમ્પ વ્યક્તિ હશે તો આ બધું શક્ય નહીં થાય. તેમણે એમ પણ કહ્યું હતું કે આ રાષ્ટ્રપતિપદ મેળવવા માટેની લડાઈ નથી બલ્કે બે વિચારધારા વચ્ચેની લડાઈ છે. આ લડાઈ દેશના ભવિષ્યની દિશા નક્કી કરશે.
પાટનગર ગાંધીનગરમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો સાથે એક બેઠક યોજ્યા બાદ યશવંતસિંહાએ પત્રકાર પરિષદ સંબોધતાં જણાવ્યું કે દેશમાં આજે અઘોષિત કટોકટી જેવી પરિસ્થિતિ છે. વાણી સ્વતંત્રતા પણ છીનવી લેવા પ્રયત્ન થઈ રહ્યો છે જે અંગે જર્મની જેવા દેશે પણ ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાતનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ગુજરાતમાં આજેય 144મી કલમ લાગુ કરાઈ છે. લગ્ન હોય કે કોઈ સામાજિક પ્રસંગ, સરકારી મંજૂરી લેવી પડે. આ સ્થિતિ પ્રવર્તી રહી છે.
ગાંધી-સરદારની ધરતી પર આવવાનો મોકો મળ્યો છે. ઘણીવાર ગુજરાત આવ્યો છું તેવો ઉલ્લેખ કરતાં યશવંતસિંહાએ જણાવ્યું કે અગાઉ ગુજરાતમાં ઘણી સંસ્થાઓ મને આર્થિક મુદ્દાઓ પર યોજાતા કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપતી હતી. પણ હવે આ સિલસિલો બંધ થઈ ગયો છે.


comments powered by Disqus