મહેસાણા: ગુજરાતમાં સૌપ્રથમવાર અનોખી રીતે રમાતાં લાઇવ ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો મહેસાણા એસઓજીએ પર્દાફાશ કર્યો છે. વડનગર તાલુકાના મોલીપુર ગામે ખેતરમાં ગ્રાઉન્ડ બનાવી સ્થાનિક ખેલાડીઓ પાસે મેચ રમાડી તેનું યુ ટ્યુબમાં લાઇવ પ્રસારણ કરી રશિયામાં આ મેચને હાઇપ્રોફાઇલ મેચ બતાવી સટ્ટો રમાડવામાં આવતો હતો.
છેલ્લા 15 દિવસથી આ મેચ રમાડાતી હતી અને તેમાં દરેક ખેલાડીને એક દિવસના રૂ.400 આપવામાં આવતા હતા. પોલીસે ભારતથી લઈ રશિયા સુધી ચાલતા આ ક્રિકેટ સટ્ટા નેટવર્ક પકડી સ્થાનિક 4 સટોડિયાની રૂ.3.21 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. જ્યારે રશિયામાં ક્રિકેટ સટ્ટો રમાડતા શખ્સને વોન્ટેડ દર્શાવાયો છે.
પોલીસ તપાસમાં મોલીપુર ગામમાં ખેતર ભાડે રાખી તેમાં ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવ્યું હતું અને સ્થાનિક ખેલાડીઓ પાસે મેચ રમાડી ગ્રાઉન્ડમાં ગોઠવેલા એચડી કેમેરાથી તેનું વીડિયો શૂટિંગ કરી એલઇડી ટીવી ઉપર લાઈવ પ્રસારણ કરી તેનું જ લિંક મારફતે યુ ટ્યૂબ ઉપર પણ લાઇવ પ્રસારણ કરાતું હતું.

