ટેલફોર્ડમાં છેલ્લા 30 વર્ષમાં 1,000 થી વધુ બાળકોનું જાતીય શોષણ થયું!

Wednesday 13th July 2022 10:10 EDT
 
 

લંડનઃ એક સ્તબ્ધ કરનારી તપાસમાં જાણવા મળ્યું છે કે ટેલફોર્ડમાં છેલ્લા 30 વર્ષોમાં 1,000 થી વધુ બાળકો પર બળાત્કાર અને જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. પોલીસ અને કાઉન્સિલના અધિકારીઓએ આ દુર્વ્યવહારને અવગણ્યો હતો કેમ કે તેમને ભય હતું કે એશિયન પુરુષોની તપાસ 'વંશીય તણાવને વેગ આપશે'.
12 જુલાઇએ પ્રકાશિત થયેલા તપાસના તારણો મુજબ ટેલફોર્ડમાં પોલીસ અને કાઉન્સિલની નિષ્ફળતા વચ્ચે એક હજારથી વધુ બાળકો સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો કારણ કે સત્તાવાળાઓએ આંખ આડા કાન કર્યા હતા. તારણો જણાવે છે કે આઘાતજનક વેદના અને બાળકોના મૃત્યુ પણ ટાળી શકાયા હોત, જો વેસ્ટ મર્સિયા પોલીસે આવા અપરાધના અહેવાલો પર કાર્ય કરવા માટે તેનું સૌથી મૂળભૂત કાર્ય કર્યું હોત.
ટેલફોર્ડ ચાઇલ્ડ સેક્સ્યુઅલ અબ્યુઝની સ્વતંત્ર તપાસમાં જણાવાયું છે કે સામૂહિક બળાત્કાર, કિશોરવયની ગર્ભાવસ્થામાં વધારો અને પીડિતોને ચૂપ કરવા માટે મૃત્યુની ધમકીઓ આપવામાં આવી હતી. સત્તાવાળાઓ દ્વારા પીડિતોને "સામાન્ય વેશ્યા" તરીકે ગણવામાં આવ્યું.
તપાસ અધ્યક્ષ ટોમ ક્રાઉથર ક્યુસી કહે છે કે "સ્પષ્ટપણે બાળ જાતીય શોષણની અવગણના કરવામાં આવી હતી અને મુખ્ય એજન્સીઓએ શોષણ માટે અપરાધીઓને નહીં પણ બાળકોને દોષી ઠેરવ્યા હતા".
 અહેવાલમાં જાણવા મળ્યું છે કે બાળકોનું "બોયફ્રેન્ડ" મોડેલથી શોષણ થતું હતું. ગુનેગારોએ, સંવેદનશીલ બાળકોની શોધ કરી અને તેમને લિફ્ટ આપવાનું શરૂ કર્યું. પછી તેમને આલ્કોહોલ અથવા સિગારેટ ખરીદી આપતા હતા. આ અહેવાલમાં 16 વર્ષીય લ્યુસી લોવના કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેની પુત્રીના પિતા અઝહર અલી મેહમૂદે (26) તેના ઘરમાં આગ લગાડી દીધી જેમાં લ્યુસી, તેની 17 વર્ષની બહેન અને માતા મૃત્યુ પામ્યા હતા. તે મેહમૂદથી 14 વર્ષની ઉંમરે ગર્ભવતી બની હતી.
બાળ યૌન શોષણની તપાસ- ઓપરેશન ચેલીસને પગલે 2012માં સાત પુરુષોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.


comments powered by Disqus