બોરિસના અનુગામીની રેસમાં દાવેદારો વચ્ચે માઝા મૂકતી કાદવઉછાળ પ્રવૃત્તિ

Wednesday 13th July 2022 10:14 EDT
 
 

લંડનઃ બોરિસ જ્હોન્સનના રાજીનામા બાદ વડા પ્રધાનપદની ખુરશીના દાવેદારો વચ્ચે એકબીજા પર કાદવ ઉછાળવાની પ્રવૃત્તિમાં વેગ આવ્યો છે. દાવેદારોની સેક્સ લાઇફ, અયોગ્ય સંબંધો અને કરચોરીને લગતી અફવાઓ વેસ્ટમિન્સ્ટરમાં ચોરે ને ચૌટે ચર્ચાઇ રહી છે. દાવેદારોની કેમ્પેઈન ટીમો પ્રતિસ્પર્ધીઓના લગ્નેતર સંબંધો, તેમના અંગત જીવન અંગેના દાવાઓ અંગે અફવાઓ ફેલાવી રહી છે.
પ્રતિસ્પર્ધીઓને રેસમાંથી દૂર કરવા માટે તેમના પર્સનલ ફાઇનાન્સની વિગતો જાહેર કરવાની ધમકીઓ પણ ઉચ્ચારવામાં આવી રહી છે. ચાન્સેલર નધિમ ઝાહાવીએ તેમની સામે કરચોરી અંગે તપાસ ચાલતી હોવાની અફવાઓને રદિયો આપવો પડ્યો હતો. બે દાવેદારોની કેમ્પેઈન ટીમોએ વિરોધીઓની માહિતી લેબર પાર્ટીને આપી છે જેમાં ટેક્સ એવોઇડન્સ સ્કીમના ઉપયોગ અને ફાઇનાન્સિયલ એરેન્જમેન્ટની માહિતીનો સમાવેશ થાય છે. દાવેદારોના અનૈતિક સંબંધો અંગેની તસવીરો હોવાની અફવાઓએ પણ જોર પકડ્યું છે. વોટ્સએપ ગ્રુપોમાં ડર્ટી ડોઝિયર વાઇરલ બની રહ્યું છે જેમાં રિશિ સુનાકના ચાન્સેલર તરીકેના કાર્યકાળ દરમિયાનના ખર્ચ અને કરવેરા અંગેના રેકોર્ડ સામેલ છે. 10 ડાઉનિંગ સ્ટ્રીટના પૂર્વ સલાહકાર ડોમિનિક કમિંગ્સે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, પીએમપદની રેસમાં રહેલા 3 દાવેદાર બોરિસ જ્હોન્સનને પણ સારા કહેવડાવે તેવા છે. તેમાંના બે સ્પર્ધકોના તો તેમના સ્પેશિયલ એડવાઇઝરો સાથે અનૈતિક સંબંધો છે.

સ્થિર સરકાર રચવા બિઝનેસ અગ્રણીઓની અપીલ 

લંડનઃ લંડનના બિઝનેસ અને ફાઇનાન્સિયલ અગ્રણીઓએ દેશમાં ગંભીર અને સ્થિર સરકારની રચના માટે અપીલ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે બ્રિટનમાં સત્તાહસ્તાંતરણ માટે લાંબો સમય રાહ જોવાથી ઇકોનોમિક પોલિસીનો શૂન્યાવકાશ સર્જાશે. લંડન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચીફ એક્ઝિક્યુટિવ રિચર્ડ બર્ગે જણાવ્યું હતું કે, દેશની ઇકોનોમી મોટા પડકારોનો સામનો કરી રહી છે. દેશને અત્યારે પરંપરાગત રીતે બ્રિટનને સફળ અને સમગ્ર વિશ્વમાં પ્રશંસાપાત્ર દેશ બનાવનારા મૂલ્યોના આધારે ચાલનારી ગંભીર અને સ્થિર સરકારની જરૂર છે. 

બોરિસનો બદલોઃ હાઉસિંગ સેક્રેટરીને ઘરવિહોણા કર્યા

લંડનઃ બોરિસ જ્હોન્સને આખરે પોતાનો બદલો પૂરો કરી લીધો છે. 2016માં બોરિસને નેતા બનતા અટકાવનાર અને બરતરફ કરાયેલા હાઉસિંગ સેક્રેટરી માઇકલ ગોવને ઘરવિહોણા બનાવી દીધા છે. ગુરુવારે બરતરફ કરાયેલા ગોવ મંત્રીપદ ગુમાવવાની સાથે 25 મિલિયન પાઉન્ડની કિંમતનું મકાન પણ ગુમાવી ચૂક્યા છે. ડેવિડ કેમેરોનનું સ્થાન લેવાના પ્રયાસની નિષ્ફળતા માટે જ્હોન્સન કહેવાતા મિત્ર માઇકલ ગોવને જવાબદાર માને છે જેમના કારણે તેઓ થેરેસા મે સામેનો જંગ હારી ગયા હતા. 

સુનાકની 21 વર્ષ જૂની વીડિયો ક્લિપથી વિવાદ 

લંડનઃ સોશિયલ મીડિયા પર રિશિ સુનાકની યુવાવયની એક વીડિયો ક્લિપ વાઇરલ બની રહી છે. 2001માં બીબીસી દ્વારા તૈયાર કરાયેલી દસ્તાવેજી ફિલ્મમાંથી લેવાયેલી આ ક્લિપમાં રિશિ સુનાકને  એમ કહેતા સાંભળી શકાય છે કે મારે વર્કિંગ ક્લાસના કોઇ મિત્રો નથી.  મારે ઉચ્ચ વર્ગના જ મિત્રો છે. સુનાકની આ ક્લિપના કારણે હવે ઘણી ટીકા થઇ રહી છે.

સુનાક, ટ્રુસ, જાવિદ અને ઝાહાવી સર્વેમાં તળિયે

લંડનઃ ઇન્ડિપેન્ડનન્ટ અખબારે દ્વારા વાચકો મધ્યે કરેલ સર્વે અનુસાર ટોરી નેતાની રેસમાં સૌથી આગળ 24 ટકા લોકોએ સાંસદ ટુગેન્ધાટની તરફેણમાં મત આપ્યો છે જ્યારે 22 ટકા મત સાથે પૂર્વ હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટ બીજા સ્થાને રહ્યાં છે. 3 ટકા સાથે રિશિ સુનાક અને લિઝ ટ્રુસ તથા સાજિદ જાવિદ અને એક ટકા કરતા ઓછા મત સાથે નધિમ ઝાહાવી રેસમાં છે.
• 24 ટકા – ટોમ ટુગેન્ધાટ • 22 ટકા – જેરેમી હન્ટ • 9 ટકા – બેન વોલેસ • 5 ટકા – પેની મોરડાઉન્ટ • 3 ટકા – રિશિ સુનાક • 3 ટકા - લિઝ ટ્રસ • 3 ટકા – સાજિદ જાવિદ
• 1 ટકા – નધિમ ઝાહાવી

ઉમેદવાર બનવા 20 સાંસદનું સમર્થન જરૂરી

નવા ટોરી નેતાની પસંદગી કેવી રીતે કરાશે?

લંડનઃ નેતાપદની સ્પર્ધામાં રહેવા ટોરી સાંસદ પાસે ઓછામાં ઓછા વીસ સાંસદનું સમર્થન હોવું જોઈએ. ઉમેદવારોની સંખ્યા જાહેર થયા પછી ટોરી સાંસદો શ્રેણીબદ્ધ મતદાન કરે છે અને બે ઉમેદવાર રહે ત્યાં સુધી આ મતદાન ચાલે છે.  નેતાપદની ચૂંટણીમાં 1922 કમિટીના કાર્યવાહક ચેરમેન રહેલા સર ચાર્લ્સ બેકરનું કહેવું છે કે જો ઉમેદવારોની સંખ્યા વધી જતી હોય તો તેના માટે મર્યાદા પણ લાદી શકાય છે. પહેલા રાઉન્ડમાંથી આગળ વધવા માટે ઉમેદવારે  20 મત મેળવવા જરૂરી બને છે.  બીજા રાઉન્ડમાં  36 મત મેળવવાના રહે છે. આ પછીના રાઉન્ડ્સમાં સૌથી ઓછા મત મેળવનાર ઉમેદવાર સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ જાય છે અને છેલ્લે બે ઉમેદવાર રહે છે. જ્હોન્સને 2019માં થેરેસા મેનું સ્થાન લીધું ત્યારે સમગ્ર નેતા પસંદગીની પ્રક્રિયા આશરે 6 સપ્તાહ ચાલી હતી. જો નવો નેતા કોમન્સમાં વિશ્વાસનો મત હાંસલ કરી લે તો સામાન્ય ચૂંટણીની જરૂર રહેતી નથી અન્યથા નવી ચૂંટણી જાહેર કરવાની રહે છે.


comments powered by Disqus