મોદીનું નામ લેવું જ નહીંઃ એમની ટીકાથી ભાજપને જ ફાયદો

Wednesday 13th July 2022 09:10 EDT
 
 

અમદાવાદઃ ગત ચૂંટણીઓનો બોધપાઠ લઇને કોંગ્રેસે હવે હકારાત્મક અભિગમ સાથે ચૂંટણી મેદાને ઉતરવા નક્કી કર્યુ છે. દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથેની બેઠકમાં હાઇકમાન્ડે સ્પષ્ટ નિર્દશ આપ્યા છે કે, ભાજપની ટીકા કરો, સરકારની નીતિ અંગે આક્ષેપ કરો પણ નરેન્દ્ર મોદીનું નામ લેવું નહીં. એમની સામે આક્ષેપ કે ટીકા ન કરશો કેમ કે એમ કરવાથી ભાજપને જ ફાયદો થાય છે. આ વખતે કોંગ્રેસે નક્કી કર્યુ છે કે, વિધાનસભાની ચૂંટણી મોદી વિરુદ્ધ કોંગ્રેસની લડાઇ બનવા દેવાશે નહીં. દિલ્હીમાં પ્રિયંકા ગાંધીની ઉપસ્થિતિમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે એક બેઠક મળી હતી. કોંગ્રેસ વોરરૂમમાં મળેલી બેઠકમાં એવી ચર્ચા કરવામાં આવી હતી કે, નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત ટીકા ટિપ્પણી કરવી નહી કેમકે, વર્ષ 2007માં પણ કોંગ્રેસે મોદીને મોત કા સોદાગર કહીને નવાજ્યા હતાં જેના કારણે કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીમાં ખુબ જ ભૂંડી રીતે પરાજયનો સામનો કરવો પડયો હતો. કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે પણ નરેન્દ્ર મોદી વિશે ટિપ્પણી કરી હતી. હવે કોંગ્રેસ આ રાજકીય ભૂલ કરવા માંગતી નથી. કોંગ્રેસ હાઇકમાન્ડે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ છે કે, ભાજપ પક્ષ ઉપરાંત કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની નીતિઓ વિશે ટીકા ટિપ્પણીઓ કરો. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે નામજોગ અને વ્યક્તિગત પ્રહારો કરશો નહી. ટૂંકમાં કોંગ્રેસ સરકારની નીતિઓની ટીકા કરી આક્રમક પ્રચાર કરવા માંગે છે. વર્ષ ૨૦૨૪ની વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે નવી રણનીતિ ઘડી કાઢી છે. દિલ્હીમાં મળેલી બેઠકમાં કોંગ્રેસ હાઇકમાન્ડ અને ગુજરાત કોંગ્રેસના નેતાઓએ લગભગ સાડા ચાર કલાક સુધી ચર્ચા કરી હતી.


comments powered by Disqus