રાજઘરાનાનો વિવાદઃ રાજકોટના રાજાને મિલકતો વેચતા રોકવા બહેને સ્ટે માગ્યો

Wednesday 13th July 2022 09:59 EDT
 
 

રાજકોટ: રાજકોટના રાજવી પરિવારની મિલકતોને લઈને પરિવારજનોમાં ચાલતા વિવાદમાં હવે નવો ફણગો ફુટ્યો છે. વડીલોપાર્જિત તમામ સ્થાવર મિલ્કતોમાં એક પંચમાંશ હિસ્સો માગી રહેલા રાજકુમારી અંબાલિકાદેવીએ પોતાના સગા ભાઈ રાજકોટના હાલના રાજા માંધાતાસિંહને ફરી કોર્ટમાં પડકાર્યા છે. આપસી તકરારના અંતે પૂર્વે એક મિલકત તો વેચી પણ નાંખવામાં આવી હોવા સહિતના મુદ્દા આગળ ધરીને આ વખતે તેમણે કેસના નિકાલ સુધી મનાઈ હુકમ આપવા માટે કોર્ટ સમક્ષ દાદ માગી છે.
લગ્ન બાદ વર્ષોથી ઝાંસી રહેતાં અંબાલિકાદેવી પુષ્પેન્દ્રસિંહે પોતાના ભાઈ માંધાતાસિંહ સામે સિવિલ કોર્ટમાં કરેલા દાવા ઉપરાંત સિટી-2 પ્રાંત અધિકારીના હુકમ સાથે માંધાતાસિંહ કલેક્ટર સમક્ષ કરેલી અપીલ, અને સિટી સર્વે કચેરીના હુકમ સામે અંબાલિકાદેવીએ કરેલી અપીલ સહિત પરિવારજનોના કેસ વિવિધ સ્તરે ચાલી રહ્યા છે. સ્વ. રાજવી મનોહરસિંહજી જાડેજાનું તા. 6-7-2013નું વિલ પોતાને બંધનકર્તા નહીં હોવાનું તથા માંધાતાસિંહની તરફેણવાળું તા. 6-6-2019નું રીલીઝ ડીડ રદબાતલ ઠરાવવાનું ડેક્લેરેશન કરી આપવા અંગેનો જે દાવો ચાલી રહ્યો છે, તેમાં હવે મનાઈહુકમની અરજી પણ સામેલ થઈ છે.
પ્રિન્સિપાલ સિવિલ જજની કોર્ટમાં ચાલતા દિવાની કેસમાં સ્ટે માટેની આ અરજીના સમર્થનમાં અંબાલિકાદેવીએ રજૂ કરેલી દલીલો મુજબ, સ્વ. મનોહરસિંહજીની વસિયતમાં દર્શાવવામાં આવેલી મિલ્કતો પૈકી પરાબજારસ્થિત દેનાબેંકવાળું બિલ્ડિંગ, ગાંધીનગર ખાતે સેક્ટર-9માંનો બંગલો અને દ્વારકામાં આવેલું દ્વારકેશ શરણ મકાન-એ ત્રણ મિલ્કતો જ તેમની (સ્વ. મનોહરસિંહજી) સ્વપાર્જિત હતી, બાકીની તો વડીલોપાર્જિત છે અને વડીલોપાર્જિત મિલ્કતોમાં દીકરા જેટલો જ હક્ક દીકરીનો હોય છે.


comments powered by Disqus