અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પર બે ટેક્સી એસોસિએશન વચ્ચે બુકિંગ મુદ્દે ખટરાગ થતાં બે દિવસથી પ્રીપેઈડ ટેક્સી બૂથ બંધ કરી દેવાયું છે. એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પર બે સંસ્થાઓ દ્વારા પ્રીપેઈડ ટેક્સી સેવા પૂરી પાડવામાં આવે છે. આ બન્ને એસોસિએશન સાથે જોડાયેલા ટેક્સીચાલકો તેમના વારા પ્રમાણે પેસેન્જરોને ટેક્સી સેવા પુરી પાડે છે. તમામ ટેક્સીઓ ક્રમશ: નીકળે તે માટે ટર્મિનલના એરાઈવલ એરિયામાં પ્રીપેઈડ ટેક્સી બૂથ પરથી બુકિંગ થાય મુજબ પેસેન્જરોને ટેક્સી ફાળવવામાં આવે છે. પરંતુ આ બુથ પરથી પોતાના માનીતા ટેક્સીચાલકને વધારે બુકિંગ આપવાની સાથે વ્હાલાદવલાની નીતિ અપનાવવામાં આવતી હોવાનો આક્ષેપ બન્ને એસોસિએશને એકબીજા પર કરતા વિવાદ થયો છે.

