અમદાવાદમાં હત્યાનાં 50 વર્ષ બાદ આરોપીની 76 વર્ષની વયે ધરપકડ

Wednesday 14th December 2022 05:31 EST
 
 

અમદાવાદઃ કહેવાય છે ને કે કાયદાના ફંદાથી કોઈ બચી નથી શકતું. કંઈક આવું જ બન્યું અમદાવાદમાં, જ્યાં હત્યા કર્યા બાદ આરોપીને 50 વર્ષે ઝડપી પાડવામાં આવ્યો છે. મહિલાની હત્યા કરી તે સમયે આરોપી સીતારામ માત્ર 26 વર્ષનો હતો અને હાલમાં જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે આરોપી સીતારામ 76 વર્ષનો થઈ ગયો છે.
અમદાવાદના સરદારનગર વિસ્તારમાં 50 વર્ષ પહેલાં 26 વર્ષના યુવાન સીતારામે વૃદ્ધાની હત્યા કરી તેના ઘરમાંથી વાસણો અને અન્ય વસ્તુની ચોરીને અંજામ આપ્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જે બાદ તેણે અનેક ચોરીઓને અંજામ આપ્યો હતો પણ પોલીસના હાથે ક્યારેય લાગ્યો નહોતો. હવે જ્યારે આરોપીની ધરપકડ થઈ ચૂકી છે ત્યારે તેણે આ 50 વર્ષમાં કયા કયા ગુનાને અંજામ આપ્યો તેનો હિસાબ શોધવામાં પોલીસ લાગી છે.
વિધાનસભાની ચૂંટણીના કારણે ઝડપાયો આરોપી
સતત 50 વર્ષથી વોન્ટેડ આરોપી સીતારામ અંગે પોલીસને બાતમી મળી હતી. જે મુજબ અમદાવાદ પોલીસે તેને ઝડપી લેવા માટે મહારાષ્ટ્ર ગઈ હતી. સતત 50 વર્ષથી પોલીસને હાથતાળી આપવાનાં અનેક કારણો છે, પરંતુ હાલમાં રાજ્ય પોલીસવડાએ વિધાનસભા ચૂંટણીને લઈને તમામ વોન્ટેડને પકડવાના આદેશ આપતાં તેને ઝડપી લેવાયો તેમ કહી શકાય. રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ કોઈપણ વોન્ટેડ આરોપી ગમે તેટલા સમયથી વોન્ટેડ હોય તેને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દેવા આદેશ કર્યો હતો.
વૃદ્ધાનો ભાડુઆત હતો આરોપી સીતારામ
વર્ષ 1973માં સૈજપુર વિસ્તારમાં આવેલા ફદેલી પાસે 70 વર્ષનાં મણિબેન શુક્લા રહેતાં હતાં, જેમણે તેમના મકાનનો ઉપરનો માળ ત્રણ યુવકો મહાદેવ, નારાયણ અને સીતારામ તાતિયાને ભાડે આપ્યું હતું. આમ તો આ ત્રણેય યુવકો નાનું મોટું કામ કરી ગુજરાન ચલાવતા હતા, પરંતુ સીતારામ તાતિયા ચોરીની આદત ધરાવતો હતો. 14 સપ્ટેમ્બર 1973ના રોજ કોઈ કામ ન મળતાં તેણે ચોરી કરવાનો નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂપે બપોરે પોણા ત્રણ વાગ્યે મણિબેનના ઘરમાં ઘૂસી વાસણો અને અન્ય વસ્તુની ચોરી કરવાનો પ્રયાસ કરતો હતો, બરાબર તે જ સમયે મણિબેન નિદ્રામાંથી જાગી જતાં આરોપી દ્વારા તેમની હત્યા કરાઈ હતી.


comments powered by Disqus