સુરત: શિયાળાની શરૂઆત થતાં જ સુરતમાં અન્ય વસાણાં સાથે સાલમપાકનું વેચાણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. સમાજનાં વિવિધ મંડળોની સાથે લોકો ઘરગથ્થુ સાલમપાક, ગુંદરપાક, મેથીપાક અને ખજૂરપાક બનાવી રહ્યા છે. જાણીતા મીઠાઈ વિક્રેતાને બદલે ઘરગથ્થુ બનાવતા શિયાળુ પાકની ડિમાન્ડ આ વર્ષે વધુ જોવા મળી રહી છે. કેનેડાની સાથે જર્મની પોલેન્ડ જેવા દેશમાં પણ પાર્સલ મોકલવામાં આવ્યાં છે.
સુરતીઓ શિયાળામાં હજારો કિલો શિયાળુ પાક આરોગી જતા હોય છે. પહેલાના જમાનામાં આ દરેક પાક ગૃહિણીઓ ઘરે જ બનાવતી હતી. જો કે ધીરેધીરે તે પ્રમાણ ઘટ્યું અને મીઠાઈ વિક્રેતાઓ પૂરતું સીમિત રહી ગયું હતું, પરંતુ કોરોનાકાળ દરમિયાન ગૃહઉદ્યોગને વાચા મળતાં હવે દરેક શેરી, મહોલ્લા કે સોસાયટીઓમાં મૂળ સુરતીઓ આ પાક બનાવી રહ્યા છે. ઘરગથ્થુ બનાવેલા આ સાલમપાક, ગુંદરપાક, મેથીપાક અને ખજૂરપાકની ડિમાન્ડ માત્ર સુરત કે ગુજરાતનાં અન્ય શહેરોમાં જ નહીં પણ વિદેશમાં પણ ઘણી જોવા મળે છે.
સુરતના અનેક લોકો વિદેશમાં વસવાટ કરે છે, તેઓ શિયાળામાં સુરતી સાલમપાક ખાવાનું ચૂકતા નથી. અગાઉ શિયાળુ પાકમાં ખજૂર પાકનો સમાવેશ ઓછો હતો. જો કે કોરોનાકાળ બાદ ખજૂરપાકની ડિમાન્ડ ખૂબ વધી છે. વિદેશમાં રહેતા સુરતીઓ માટે ઘી વગરનો સાલમપાક પણ બનાવવામાં આવે છે અને મોકલાય છે.
ગૃહઉદ્યોગી મેહુલ ધર્મી કાપડિયાએ કહ્યું કે, છેલ્લાં પાંચ વર્ષથી અમે આ શિયાળુ પાક બનાવી રહ્યા છીએ અને વિદેશમાં પણ મોકલાવીએ છીએ. કેનેડા ઉપરાંત સ્વિડન, પોલેન્ડ, જર્મની અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ પાર્સલ કર્યાં છે. વિદેશમાં સાલમપાક ઘી વગરનો જાય છે અને ખજૂર ડ્રાયફ્રૂટમાં ગાયનું ઘી અને ડ્રાયફ્રૂટ રોસ્ટેડ કરેલા હોય છે. અત્યાર સુધી અમે 30થી 40 કિલો શિયાળુ પાક પાર્સલ કર્યો છે.

