ગ્રીન કાર્ડ પરની દેશદીઠ 7 ટકાની મર્યાદા હટાવતા ઇગલ એક્ટને વ્હાઇટ હાઉસનું સમર્થન

ટૂંક સમયમાં ઇગલ એક્ટ પર અમેરિકી સંસદમાં મતદાન યોજાશે

Wednesday 14th December 2022 06:12 EST
 
 

લંડનઃ અમેરિકી સંસદનું હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ ઇગલ એક્ટ પર મતદાન કરવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે વ્હાઇટ હાઉસે આ ખરડાને સમર્થન આપ્યું છે. પ્રસ્તાવિત ખરડામાં એમ્પ્લોયમેન્ટ આધારિત ઇમિગ્રેશન વિઝા (ગ્રીન કાર્ડ) પરની 7 ટકા અને ફેમિલી સ્પોન્સર્ડ ગ્રીન કાર્ડની 15 ટકાની પ્રતિ દેશ મર્યાદાને હટાવી દેવાની જોગવાઇ છે.
અમેરિકાના ઇમિગ્રેશન કાયદા અનુસાર પ્રતિ વર્ષ 1.40 લાખ એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ગ્રીનકાર્ડ જારી કરવાની જોગવાઇ છે. જોકે આ ગ્રીન કાર્ડ પૈકી કોઇપણ દેશના ફક્ત 7 ટકા અરજદારોને જ ગ્રીનકાર્ડ જારી કરી શકાય છે. તેનાથી વધુ અરજદારોને તેમનો નંબર આવે તેની રાહ જોવી પડે છે. એક એડવોકેસી ગ્રુપના જણાવ્યા અનુસાર હાલ આ બેકલોગમાં 6.92 લાખ ભારતીય ઇમિગ્રન્ટ્સ ગ્રીન કાર્ડની રાહ જોઇ રહ્યાં છે. 1.06 લાખ ચીની નાગરિકો વેઇટિંગ લિસ્ટમાં છે. તેનો અર્થ એ થયો કે તેમને ગ્રીન કાર્ડ હાંસલ કરવામાં 50 કરતા વધુ વર્ષનો સમય લાગી શકે છે.
એક થિન્ક ટેન્કના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર 2021માં ગ્રીન કાર્ડની રાહ જોઇ રહેલા ભારતીયોની સંખ્યા 7.91 લાખ હતી. તેનો અર્થ એ થયો કે તેમને ગ્રીન કાર્ડ માટે 90 વર્ષી રાહ જોવી પડે તેમ છે. આ બેકલોગના કારણે સ્કિલ્ડ ભારતીય ઇમિગ્રન્ટ્સને સૌથી મોટું નુકસાન થઇ રહ્યું છે. ગ્રીન કાર્ડ મેળવતાં પહેલાં જ બે લાખ અરજદારોના મોત થઇ જવાની સંભાવના છે. તેવી જ રીતે 90,000 બાળકો ગ્રીન કાર્ડની વયમર્યાદા વટાવી જશે. ફક્ત 50 ટકા ભારતીયોને જ ગ્રીન કાર્ડ મળી શકે તેવી સંભાવના છે.
2022માં 10.23 લાખ વિદેશીઓને અમેરિકી નાગરિકતા અપાઇ
2022ના 30મી સપ્ટેમ્બરે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં અમેરિકાએ 10.23 લાખ વિદેશીઓને અમેરિકાની નાગરિકતા આપી છે જે છેલ્લા 15 વર્ષનો રેકોર્ડ છે. ઇમિગ્રેશન એજન્સીના જણાવ્યા અનુસાર 2022માં 9.67 લાખ વિદેશીઓએ અમેરિકાના નાગરિક તરીકે શપથ લીધાં હતાં. બાળકોને સામેલ કરીએ તો આ આંકડો 10.23 લાખ પર પહોંચે છે. સૌથી વધુ નાગરિકતા મેક્સિકનોએ મેળવી હતી. બીજા સ્થાને ભારતીય રહ્યાં હતાં.


comments powered by Disqus