ગુજરાતમાં ભાજપે 156 જેટલી માતબર બહુમતી મેળવી પોતાની સરકાર બનાવી લીધી છે, ત્યારે મંત્રીમંડળની સંખ્યા માત્ર 17 જ રાખી છે. 8 વર્ષ પહેલાં સીએમપદેથી મોદીએ મિનિમમ ગવર્નમેન્ટ – મેક્સિમમ ગવર્નન્સનું આપેલું સૂત્ર ભૂપેન્દ્ર પટેલે અપનાવી પોતાના મંત્રી મંડળમાં માત્ર 8 કેબિનેટ, 2 સ્વતંત્ર હવાલાના મંત્રી અને 6 રાજ્યકક્ષાના મંત્રીને સ્થાન આપ્યું છે.
મિનિમમ ગવર્નમેન્ટ – મેક્સિમમ ગવર્નન્સ પાછળની એક વિભાવના અનુસાર મંત્રીઓની ઓછી સંખ્યાથી તેમની પાછળના પગાર ભથ્થાં સહિતના ખર્ચ ઓછા થાય, જેની સામે સરકારનું મહત્તમ કામ પૂર્ણ થાય.
સરકારમાં મોટા ફેરફારની શક્યતા
મુખ્યમંત્રી આગામી પાંચ વર્ષ સુધી હાલના મંત્રીમંડળના નાના કદને જ લઈને ચાલે તે નિશ્ચિત ગણી શકાય નહીં. 2024માં જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે, આ જોતાં ટૂંક સમયમાં શંકર ચૌધરી, જિતુ વાઘાણી, રમણ વોરા, ગણપત વસાવા, કિરીટસિંહ રાણા, યોગેશ પટેલ, જેઠા ભરવાડ, પંકજ દેસાઈ, પૂર્ણેશ મોદીને સ્થાન અપાઈ શકે છે. આ સિવાય નવયુવાન એવા હાર્દિક, અલ્પેશ અને રિવાબાને પણ સ્થાન મળી શકે છે.
