પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ બની રહેશે પવિત્ર પ્રેરણાનો આંતરરાષ્ટ્રીય મહોત્સવ

Wednesday 14th December 2022 06:03 EST
 
 

અમદાવાદઃ માત્ર અમદાવાદ કે ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક આગવી છાપ ઊભી કરનાર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના પ્રારંભનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આ અંક આપના હાથમાં આવશે ત્યાં સુધીમાં બુધવાર - 14 ડિસેમ્બરે પ.પૂ. મહંતસ્વામી મહારાજ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મહોત્સવનું ઉદ્ઘાટન થઇ ચૂક્યું હશે.
મહાન સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને અંજલિ આપવા માટે ભારત અને વિદેશોમાંથી ઠેર ઠેર લાખો લોકો ઊમટશે, તેની તૈયારીઓ રૂપે 600 એકરની વિશાળ ભૂમિમાં મહોત્સવ સ્થળ પ્રમુખસ્વામી મહારાજ નગર વિકસાવાયું છે.
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્મિત આ મહોત્સવ સ્થળ 250 કરતાં વધારે ખેડૂતો અને બિલ્ડરોના નિઃસ્વાર્થ સહયોગથી તેમણે આપેલી ભૂમિ પર સાકાર થયું છે. મહોત્સવ સ્થળના અનેક આકર્ષણો જીવનઘડતરની પ્રેરણા આપે છે અને લોકોને નૈતિક-આધ્યાત્મિક બાબતો જીવનમાં નવી રીતે શીખવાની અને અપનાવવાની એક તક પૂરી પાડે છે.
પ્રમુખસ્વામી મહારાજ નગરની વિશેષતાઓની
રસપ્રદ આંકડાકીય માહિતી
• મહોત્સવ સ્થળે અદભુત રંગબેરંગી ડિઝાઈન તેમજ પ્રેરક સંદેશ સાથે તૈયાર કરાયેલો પ્રમુખ જ્યોતિ ઉદ્યાન એટલે કે ગ્લો ગાર્ડન 2100 સ્વયંસેવકોની દિવસ-રાતની મહેનતથી અદભુત રીતે સજાવવામાં આવ્યો છે. 10 એકર વિસ્તારમાં ફેલાયેલા આ ગ્લો ગાર્ડનમાં અંદરથી પ્રકાશિત થાય તેવાં, સ્વયંસેવકોએ હાથે બનાવેલાં વિશાળ કદનાં આઠ હજારથી વધુ ફૂલો ઝગમગી ઊઠ્યાં છે. કુલ 2100થી વધુ સ્વયંસેવકોએ છેલ્લાં 6 મહિનાથી વધુ સમય મહેનત કરીને આ ગ્લો ગાર્ડન વિકસાવ્યું છે. ગ્લો ગાર્ડનમાં 150થી વધુ વિવિધ સંદેશાઓ લઈને જાત મહેનતથી રચવામાં આવેલ વિશાળકાય પ્રાણીઓ, પક્ષીઓ વગેરે સૌની આંખોને જકડી રાખશે. ગ્લો ગાર્ડન પ્રકૃતિમાં શ્રદ્ધા, પરમાત્મામાં શ્રદ્ધા, શાસ્ત્રોમાં શ્રદ્ધા, ગુરુમાં શ્રદ્ધા, રાષ્ટ્રમાં શ્રદ્ધા અને વિશ્વમાં શ્રદ્ધા જેવા વિષયોની રચનાત્મક પ્રસ્તુતિ કરે છે.
• મહોત્સવ સ્થળે કુલ 7 પ્રવેશદ્વાર છે, જે પૈકી મુખ્ય પ્રવેશદ્વાર સંતદ્વાર તરીકે સૌથી વધુ કલાત્મક પ્રવેશદ્વાર 380 ફૂટ પહોળો પ્રવેશદ્વાર છે. અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભતા આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપે છે. શ્રીમદ્ આદિ શંકરાચાર્ય, શ્રીમદ્ વલ્લભાચાર્ય, શ્રીમદ્ રામાનુજાચાર્ય, તુલસીદાસજી, શ્રી નરસિંહ મહેતા, શ્રી મીરાંબાઈ તેમજ શ્રી બુદ્ધ અને શ્રી મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની આ 28 પ્રતિકૃતિઓ સૌને પવિત્ર પ્રેરણાઓ આપશે.
• મહોત્સવ સ્થળના કેન્દ્રમાં 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી પીઠિકા પર સ્થપાયેલી પ્રમુખસ્વામી મહારાજની સ્વર્ણિમ મૂર્તિ 30 ફૂટ ઊંચી છે. આ મૂર્તિની ચારે તરફના વર્તુળમાં અહર્નિશ સેવામય પ્રમુખસ્વામી મહારાજના અદભુત પ્રેરક પ્રસંગો છે. જેમાં ચોવીસેય કલાકોની પ્રસ્તુતિ દર્શનીય છે. આ વર્તુળની રંગબેરંગી ફૂલોની શોભતી રચનાઓ પણ આહલાદક છે.
• દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામની હૂબહૂ પ્રતિકૃતિ રૂપે રચવામાં આવેલ 67 ફૂટ ઊંચા મહામંદિરમાં કુલ પાંચ વિશાળકાય ઘુમ્મટો નીચે સનાતન ધર્મના દિવ્ય દેવસ્વરૂપો દર્શન આપે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ – શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ, ભગવાન શ્રી રાધા-કૃષ્ણ, ભગવાન શ્રી સીતા-રામ, ભગવાન શ્રી ઉમા-મહાદેવ વગેરેની અદભુત મૂર્તિઓનાં દર્શન કરીને લાખો લોકો શ્રદ્ધા દૃઢાવશે. આ ઉપરાંત આ મંદિરના મંડોવર અને સ્તંભોમાં 48 ગણપતિજી, 104 ઋષિમુનિ-સંતો-ભક્તોની કલાત્મક મૂર્તિઓ શોભે છે.
• મહોત્સવના વિશાળ લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં 180 ફૂટ પહોળા મંચ પર 300 થી વધુ કલાકાર બાળકો-યુવકો પ્રસ્તુતિ કરશે, જેને એક સાથે 20,000 કરતા વધુ પ્રેક્ષકો ખુલ્લા સભાગારમાં બેસીને માણી શકશે.
• મહોત્સવનું વિશિષ્ટ આકર્ષણ એટલે બીએપીએસ બાળનગરી. આ બાળનગરી એટલે બાળકો દ્વારા વિચારાયેલી, બાળકો માટે બનાવાયેલી, બાળકો દ્વારા સંચાલિત એક એવી નગરી કે જ્યાં વિવિધ પ્રસ્તુતિઓ બાળકોને વધુ સારા વ્યક્તિ બનવાની પ્રેરણાથી છલકાવી દેશે. 4,500થી વધુ બાળ-બાલિકા સ્વયંસેવકો દ્વારા સંચાલિત આ બાળનગરીને સજાવવામાં 6,500થી વધુ બાળપ્રવૃત્તિ કાર્યકરો સેવા આપી રહ્યા છે. કલાત્મક મેસ્કોટ, 3 પ્રદર્શન ખંડો, સંસ્કૃતિ રત્નો, શાંતિનું ધામ, બાળસ્નેહી ઉદ્યાન, બાળમંડળ એક્સપ્રેસ જેવી વિવિધ રચનાઓ ઉપરાંત બાળનગરીના બે કલામંચોમાં 150થી વધુ બાળકો નૃત્ય, ગીત-સંગીત, વક્તવ્યોની રમઝટ બોલાવી બાળકોને મોજ કરાવશે અને તેમની સુશુપ્ત શક્તિઓ ખીલવવાની પ્રેરણા આપશે.
• મહોત્સવ સ્થળે ઉમટનારા લાખો દર્શનાર્થીઓની પાર્કિંગની વ્યવસ્થા માટે અઢી હજાર કરતા વધારે સ્વયંસેવકો ખડે પગે સેવા બજાવવા ઊભા રહેશે. મહોત્સવ સ્થળના નિર્માણમાં કુલ 60,000થી વધુ સ્વયંસેવકો આવી ચૂક્યા છે. મહોત્સવ સ્થળની આ તમામ વ્યવસ્થાઓને જાળવવા માટે 80,000થી વધુ સ્વયંસેવકો મહોત્સવના અંત સુધી કાર્યરત રહેશે.
• મહોત્સવના વિવિધ કાર્યક્રમોથી 30 દિવસ સુધી મહોત્સવના વિવિધ સભામંડપો ગુંજતા રહેશે, જેમાં આધ્યાત્મિક વ્યાખ્યાનો, વિદ્વત્તાસભર સેમિનારો અને પરિષદો, પ્રોફેશનલ્સ સંમેલનો સહિત વિવિધ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ‘નારી ઉત્કર્ષ મંડપમ’માં રોજ મહિલા કાર્યક્રમોની અદભુત પ્રસ્તુતિઓ થશે, જેમાં ભારત અને વિદેશના મહિલા મહાનુભાવો પણ મંચ પરથી વિદ્વત્તાસભર સંબોધનોનો લાભ આપશે. તો ‘નારાયણ સભાગૃહ’માં રોજ સાંજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની હસ્તીઓની ઉપસ્થિતિમાં હજારોની મેદની વચ્ચે વિવિધ વિષયક સભા કાર્યક્રમો થશે.


comments powered by Disqus