ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી ગુજરાત માટે યાદગાર બની રહી. આ ચૂંટણીમાં ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને ખોબલે ને ખોબલે મત આપી રેકોર્ડ સર્જતી 156 બેઠકોની ભેટ આપી. તો આની સાથોસાથ મોદી મેજિકની સુનામી સામે પરંપરાગત પ્રતિસ્પર્ધી કોંગ્રેસે અત્યાર સુધીની સૌથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો, તો દિલ્હીથી ભેખડિયા ભરતી આવેલી આમ આદમી પાર્ટી પણ ખાસ કંઈ જ ઉકાળી શકી નહીં. જો કે ભાજપના ગઢમાં આપે ઘૂસણખોરી તો કરી જ લીધી છે, જેના થકી આપ નેશનલ પાર્ટી બની ગઈ છે.
આ સિવાય ગુજરાતમાં મોટામાં મોટી જીત મેળવવામાં પ્રથમ ક્રમે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા, જેમણે કુલ 1.92 લાખ કરતાં વધુ મતથી વિજય મેળવ્યો છે. એક લાખ કરતાં વધુ લીડથી જીતનારામાં આ સિવાય ચોર્યાસી બેઠક પરથી ભાજપના સંદીપ દેસાઈ1.81 લાખ, મજૂરાથી હર્ષ સંઘવી 1.16 લાખ, ઓલપાડથી મૂકેશભાઈ પટેલ 1.15 લાખ, રાજકોટ પ.થી દર્શિતા શાહ 1.05 લાખ મતથી, કાલોલથી ફતેસિંહ ચૌહાણ 1.05 લાખ મતથી, એલિસબ્રિજથી અમિત શાહ 1.04 લાખ, સુરત ઇસ્ટથી પૂર્ણેશ મોદી 1.04 લાખ, વલસાડથી ભરત પટેલ 1.03 લાખ, માંજલપુરથી યોગેશભાઈ પટેલે 1 લાખથી વધુ મતથી વિજય મેળવ્યો છે, જે તમામ ભાજપના છે.
આ સિવાય ભાજપના અન્ય 41 ઉમેદવાર એવા રહ્યા, જેમણે અન્ય પાર્ટી સામ 50 હજારથી વધુ મતની લીડ સાથે વિજય મળવ્યો.
