ભાજપે ગુજરાતમાં વિક્રમ સર્જી મેળવી 156 બેઠક

કોંગ્રેસને 17 અને આપને 6 બેઠક જ મળીઃ વિપક્ષને યોગ્ય પણ ન રહી કોંગ્રેસ

Wednesday 14th December 2022 04:43 EST
 

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપે માઇલસ્ટોન 156 બેઠક મેળવી વિક્રમ સર્જ્યો છે. વિધાનસભાની કુલ 182 બેઠક પૈકી 86 ટકા એટલે કે 156 બેઠક અત્યાર સુધી કોઈ મેળવી શક્યું નથી. આંકડાની દૃષ્ટિએ જોઈએ તો ભાજપને કુલ મતમાંથી 57 ટકા મત મળ્યા છે.
વિધાનસભાની ચૂંટણીમાં મતદારો દ્વારા આપવામાં આવેલા મતના આંકડા જોઈએ તો ભાજપને સૌથી વધુ 1,65,86,780, કોંગ્રેસને 86,18,855, આપને 40,74,237, અન્યને 13,72,956, એસપીને 91,976 અને નોટાને 4,97,995 મત પડ્યા છે.
સવારે 8 વાગ્યે મત ગણતરી શરૂ થઈ ત્યારથી ભાજપે તમામ પક્ષોને પાછળ છોડી વિજયકૂચ આરંભી દીધી હતી. શરૂઆતી મત ગણતરીથી જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઘણી પાછળ છૂટી ચૂકી હતી. શરૂઆતી રુઝાનથી જ ભાજપનો વિજય નિશ્ચિત જણાતો હતો. પરંતુ આખરી ચિત્ર સ્પષ્ટ થતા ભાજપે અત્યાર સુધીન સૌથી સારું પ્રદર્શન બતાવવાની સાથે માધવસિંહ સોલંકીનો 149 બેઠકોનો રેકોર્ડ પણ તોડી દીધો હતો.
આખરી ચિત્ર સ્પષ્ટ થતાં કોંગ્રેસને માત્ર 17 બેઠક મળી હતી, તો આપને ગુજરાતના રાજકારણ માટે પ્રવેશરૂપે 5 બેઠક મળી. તો અપક્ષોના ફાળે પણ 4 બેઠકો જોવા મળી. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભામાં વિપક્ષપદ પાકું કરવા માટે કોંગ્રેસે 10 ટકા મત મેળવવા જરૂરી છે, જો કે તેના માટે જરૂરી 18 બેઠકો પરની જીતથી પણ તે 1 બેઠક દૂર રહેતાં કોંગ્રેસ માટે વિપક્ષનું પદ પણ છીનવાઈ ગયું છે.
અત્યાર સુધીમાં કોંગ્રેસના ગઢસમાન સૌરાષ્ટ્રમાં ભાજપે ગાબડું પાડ્યું છે. જેને આંકડામાં જોઈએ તો સૌરાષ્ટ્રની 54 બેઠક પૈકી ભાજપે 45 બેઠક પર પોતાનો કબજો જમાવ્યો છે.
વિધાનસભા 2022ની ચૂંટણી માટે ભાજપ 149+ના ટાર્ગેટ સાથે આગળ વધી રહ્યો હતો, અને તે મુજબ કાર્યકરોથી માંડીને પ્રધાનમંત્રી મોદી પણ તનતોડ મહેનત કરી વધુમાં વધુ બેઠકો પર લોકસંપર્ક કર્યો હતો. ભાજપના કાર્યકરો, પેજ પ્રમુખો, પ્રદેશ પ્રમુખ અને ખુદ નરેન્દ્ર મોદીની આ મહેનતની ફળશ્રુતિ રૂપે ભાજપે પોતાના ટાર્ગેટ 149 કરતાં પણ 7 બેઠક વધુ મેળવી લીધી છે. આમ ભાજપ દ્વારા માધવસિંહ સોલંકીએ કલંકરૂપ ખામ થિયરીથી સર્જેલા વિક્રમને તોડી પાડ્યો.
વાત જ્યારે કોંગ્રેસની કરીએ તો તેની બેદરકારી પહેલેથી જ દેખાઈ આવતી હતી. ભાજપ જ્યારે વિધાનસભા 2022ની જીત નિશ્ચિત હોવા છતાં એડીચોટીનું જોર લગાવી પોતાના પ્રચારમાં વ્યસ્ત હતો, ત્યારે કોંગ્રેસના કોઈ મોટા નેતા કે ખુદ રાહુલ ગાંધીએ પણ આ ચૂંટણીને ગંભીરતાથી લીધી નહોતી.


comments powered by Disqus